![]()
વડોદરા સાયબર ક્રાઈમ: શેરબજારમાં રોકાણના નામે રૂ.1 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓએ જામીન અરજી દાખલ કરતાં કોર્ટે ચારેય અરજદારોની અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશે ચુકાદામાં અવલોકન કર્યું કે, આવા ગુનાઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં લોકોના વિશ્વાસને નબળી પાડે છે, જે દેશની પ્રગતિ અને અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર કરે છે.
કેસની વિગત એવી છે કે, નવેમ્બર-2025થી જાન્યુઆરી-2026 દરમિયાન રાકેશભાઈ નામના સિનિયર સિટીઝન દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ડમી વેબસાઈટ મારફતે નોંધાયેલા સેબીના ખોટા દસ્તાવેજો બતાવી શેરબજારમાં રોકાણના નામે રૂ.1 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટના અંગે સાયબર ક્રાઈમ પોલીસે 29 એપ્રિલે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં આરોપી ઈરફાન મેમણ, યાસીનખાન પઠાણ, પાર્થ બારડ અને ફેઝાન શેખની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં આરોપીઓએ જામીન અરજી કરી હતી અને બચાવ પક્ષે એવી રજૂઆત કરી હતી કે મોબાઈલ નંબર આરોપીનો નથી અને ફરિયાદી સાથે તેમનો સીધો સંપર્ક નથી. જ્યારે સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ફોજદારી કાવતરું રચી બનાવટી દસ્તાવેજોના આધારે રૂ.1 કરોડની જંગી છેતરપિંડી કરી હોવાથી સમાજના હિતમાં આરોપીને જામીન આપી શકાય નહીં. જજે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ચારેય આરોપીઓની અરજી ફગાવી દીધી હતી.