વડોદરા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં મુખ્ય સ્ટેશન બનાવવામાં આવશે, પરંતુ હવે રેલવે સ્ટેશનની પશ્ચિમ દિશામાં પણ બુલેટ ટ્રેનના મુસાફરો માટે અન્ય એક્ઝિટ ગેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને પશ્ચિમ દિશામાંથી મુસાફરોની અવરજવર સરળ બની શકે અને તે માટે એફસીઆઈ દ્વારા મોટી જમીનનો કબજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સોંપાયા બાદ હવે પશ્ચિમ દિશામાં પણ બહાર નીકળવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં જમીન સંપાદન અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટના ‘એક્ઝિટ ગેટ’ માટે વડોદરા રેલ્વે સ્ટેશનને અડીને આવેલી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ની માલિકીની કિંમતી જમીનનો સીધો કબજો સોંપવામાં આવ્યો છે. વડોદરા કસ્બાના વોર્ડ નં. 1 માં, રેલ્વે સ્ટેશનની ખૂબ નજીક, પશ્ચિમ વિસ્તારમાં આ જમીનનો વિસ્તાર 1075.0773 ચોરસ મીટર છે. જમીન ત્રિકોણાકાર આકારની છે અને અત્યાર સુધી તે બિનઉપયોગી અને પડતર હાલતમાં હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરવા માટે FCIને રૂ.20.16 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. વડોદરાના કલેક્ટરના આદેશ બાદ 8મીએ જમીનનો કબજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંડ્યા બ્રિજ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન પૂર્વ દિશામાં હતું તેથી મુસાફરોને બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તે સ્થળે આવવું પડતું હતું. શહેરની પશ્ચિમ દિશાના પ્રવાસીઓ નવા બંધાયેલા ફૂટ ઓવરબ્રિજ પરથી બુલેટ ટ્રેનનો લાભ લઈ શકે તે માટે પ્રોજેક્ટને લંબાવવામાં આવ્યો છે અને તેના માટે જમીનની જરૂર હોવાથી તે પૂર્ણ પણ કરવામાં આવ્યો છે.