![]()
સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકાએ ભૂગર્ભમાં વરસાદી પાણીની વ્યવસ્થા કરવા માટે વોટર હાર્વેસ્ટિંગની પોલીસી બનાવી છે. સુરત મહાનગરપાલિકાની 2700 મિલકતોમાં પાણીના સંગ્રહ માટે યુનિટના દરો પણ નક્કી કરવામાં આવ્યા હતા અને મોટા બોર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જો કે, મ્યુનિસિપલ મિલકતમાં બાંધવામાં આવેલા પાણીના સંગ્રહના ઘણા બોર જર્જરિત હાલતમાં છે અને કેટલીક જગ્યાએ તિરાડો પડી છે. નગરપાલિકાની મિલ્કતમાં કરવામાં આવેલ વોટર હાર્વેસ્ટીંગની કામગીરીમાં કોના કારણે ભ્રષ્ટાચાર? તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ વધારવા અને ભૂગર્ભજળના સ્તરને સુધારવા માટે એક મોટી જળ સંચય યોજના અમલમાં મૂકવામાં આવી છે. ‘કેચ ધ રેઈન’ ઝુંબેશના ભાગરૂપે પાલિકાની મિલકતોમાં અગ્રતાના ધોરણે બોર બનાવીને પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. પરંતુ, જમીન પરની વાસ્તવિકતા આ યોજનાના દાવાઓથી તદ્દન વિપરીત દેખાય છે. શહેરના બગીચાઓ સહિત વિવિધ મ્યુનિસિપલ મિલકતોમાં બાંધવામાં આવેલા અનેક વોટર હાર્વેસ્ટિંગ બોર હાલમાં ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલાક બોર ધરાશાયી થયા છે, ઘણી જગ્યાએ તિરાડો પડી જવાથી સમગ્ર સ્ટ્રક્ચરની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
શહેરમાં અનેક જગ્યાએ બોર તૂટેલા કે તિરાડની હાલતમાં જોવા મળે છે, જેના કારણે લોકોને લાગે છે કે આ કામગીરી માત્ર બેદરકારી જ નહીં, કૌભાંડની ગંધ પણ આવે છે. યુનિટ રેટ નક્કી હોવા છતાં અને જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં જમીનમાં હલકી ગુણવત્તાનું કામ કેમ કરવામાં આવ્યું? નગરપાલિકાએ 2700 મિલકતોમાં બોરહોલનું આયોજન કર્યું છે અને અનેક જગ્યાએ બોરહોલ બનાવ્યા છે પરંતુ તેમાંથી ઘણાને નુકસાન થયું છે અને તુટેલા બોરહોલના કારણે અકસ્માતનો ભય છે. જેના કારણે બાંધવામાં આવેલા બોરની ગુણવત્તા ચકાસવા તેમજ ભ્રષ્ટાચારની પણ ચકાસણી કરવા વિજીલન્સ તપાસ હાથ ધરવા માંગ ઉઠી છે.