સુરત કોર્પોરેશન : સુરત શહેરમાં ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ તાત્કાલીક રોડનું પુનઃનિર્માણ કરવાની પાલિકાની જવાબદારી હોવા છતાં ઇચ્છાપોર ખાદી મહોલ્લામાં રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં પડેલો છે. ચોમાસું આવી ગયું હોવા છતાં તંત્રને રસ્તાઓનું સમારકામ કરવાનો સમય મળતો નથી. અનેક રજૂઆતો છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પર વરસાદી પાણી ભરાવાના સંજોગોમાં અકસ્માત સર્જાય તેવી આશંકા છે.
સુરત પાલિકા દાવો કરે છે કે પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાલિકાની બેદરકારી છતી થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈચ્છાપોર ખાતે જલારામ મંદિર પાસેના ખાદી મહોલ્લામાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામ પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે રોડ હાલ ઉબડખાબડ અને જોખમી બની ગયો છે. રોજીંદા મુસાફરો તેમજ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડના સમારકામ માટે સંબંધિત વિભાગોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. હજુ સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થવાની હોવાથી આ માર્ગ વધુ જોખમી બનવાની ધારણા છે. વરસાદી પાણી ભરાયા બાદ રસ્તા પરના ખાડા અને ખોદકામના નિશાન દેખાશે નહીં, જેના કારણે બાઇક ચાલકો, વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.