અમદાવાદ શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભોપાલ, પ્રહલાદનગર, એસજી હાઇવે, જોધપુર, નવાવાડજ, રાણીપ, અખબાર નગર, નિર્માણનગર, મણિનગર અને સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં વ્યાપક વરસાદ થયો છે.
અમદાવાદ શહેરમાં સવારથી મેઘરાજાએ મહેર કરી છે. ખાસ કરીને એસજી હાઈવે, ભોપાલ, પ્રહલાદનગર અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યારે શહેરના અખબાર નગર અંડર પાસને બંધ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદની સ્થિતિ પર નજર રાખવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ટાગોર કંટ્રોલ રૂમમાં હાજર રહી શહેરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા
👉 અમદાવાદ શહેરમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા 🌨️#AhmedabadRain#RainUpdatepic.twitter.com/JScf7XjJRa
— માહિતી અમદાવાદ GoG (@infoahdgog) જુલાઈ 23, 2026
અમદાવાદ શહેરમાં સવારે 9:00 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે અને સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, ભોપાલ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટીતંત્રને મદદ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સચિવ રેમ્યા મોહન અને આલોક પાંડેને મોકલ્યા છે. આ ઉપરાંત પ્રભારી સચિવોને જે જિલ્લાઓમાં હવામાન વિભાગે તાત્કાલિક અસરથી વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે ત્યાં પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી.