– ઓટોમેશન વધ્યું હોવાથી આવકવેરા અને જીએસટીની ચોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૂવાર તા
આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી અને ઓનલાઈન રિફંડ ટ્રાન્સફર સિસ્ટમ આવી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓની ઓનલાઈન નોંધણી શરૂ થઈ અને ઈ-ઈનવોઈસિંગ પ્રથા શરૂ થઈ જેના પરિણામે આવકવેરા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરીમાં ઘટાડો થયો હોવાનું 15મી ડિસેમ્બરે લોકસભામાં કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું હતું.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે GSTમાં ચોરીની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે કારણ કે સિસ્ટમમાં દરેક વેપારીના ઈનવોઈસના મેચિંગની પ્રક્રિયા આપમેળે થાય છે. તેમજ સમગ્ર વહીવટમાં પારદર્શિતા વધી છે. GSTમાં ઓટોમેશનના પરિણામે, સપ્લાયરની ટેક્સ જવાબદારી અને ખરીદનારને ઉપલબ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપમેળે ઓનલાઈન પ્રતિબિંબિત થાય છે. ઈ-ઈનવોઈસની સિસ્ટમે ઇનકમિંગ બિલ જનરેટ કરવામાં સામેલ માનવીય ભૂલમાં ઘટાડો કર્યો છે. તેમજ GST રિટર્ન ભરવાની પ્રક્રિયા સિસ્ટમ સાથે ખૂબ જ સરળ બની ગઈ છે. રિટર્ન ફોર્મમાં કેટલીક માહિતી સિસ્ટમમાં ભરવામાં આવતી હોવાથી રિટર્ન ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. તેમજ GST કાયદાનો અમલ ખૂબ જ સરળ બની ગયો છે.
બીજી તરફ, આવકવેરા રિટર્નના ફેસલેસ એસેસમેન્ટની સિસ્ટમથી વિભાગને કેટલી આવક થશે તેનો અંદાજ લગાવવાનું સરળ બન્યું છે. આ સાથે જ આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા અને GST રજિસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થયો છે. પરિણામે ટેક્સની આવક પણ વધી રહી છે. એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કામનો ખર્ચ વધશે.
સરકારે કરદાતાઓ અને GST વેપારીઓ પાસેથી આવકવેરા સંબંધિત માહિતી એકત્રિત કરવાનું સરળ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જોખમ ચકાસણી સાધનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કર્યું છે. પરિણામે જીએસટીમાં નોંધણી ન કરાવનારાઓ નોંધણી કરાવી રહ્યા છે. ઉપરાંત, યોગ્ય કરદાતાઓને રિફંડ નાણા આપોઆપ રીલીઝ કરવામાં આવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત રિસ્ક વેરિફિકેશન ટૂલ માર્કેટમાં સર્ક્યુલર ટ્રેડિંગને પકડવામાં સફળ થયું છે. આની સાથે, ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું ફોર્મ સરળ હશે કે મૂંઝવણભર્યું હશે તેનો અંદાજ પણ મેળવી શકાય છે. ખોટી રિફંડ અરજી કરનારાઓને પકડવાનું પણ સરળ બની ગયું છે.