ગુજરાત હવામાન: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, દક્ષિણ ગુજરાતના 29 તાલુકાઓમાં આજે (22 જૂન) સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. દરમિયાન, હવામાન વિભાગે આજે (22 જૂન) સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ જારી કર્યું છે.

વલસાડ અને સુરતમાં સાર્વત્રિક વરસાદ, અરેઠ અને વલસાડ મોખરે
આજના વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડ અને સુરત જિલ્લામાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન થયા છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં સૌથી વધુ 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના અરેઠ તાલુકામાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપી અને નવસારી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડામાં 1.77 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતના 110 ડેમમાં પાણીની સપાટી 20%થી ઓછી, અમદાવાદમાં હજુ એક સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી
સર્વત્ર પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે
વહેલી સવારે ઓફિસ અને શાળાના સમયમાં શરૂ થયેલા વરસાદથી સુરત શહેર અને વલસાડના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ વરસાદ ખેડૂતો માટે વાવણી માટે યોગ્ય સાબિત થતા કૃષિ જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યના આ જિલ્લામાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (22 જૂન) સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ઓરેન્જ એલર્ટમાં ભારે વરસાદની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને દીવમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં એડી કરંટ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, ગુજરાત અને સોમાલિયાના કિનારાને સ્પર્શતા અરબી સમુદ્રની આસપાસ આગામી 5 દિવસ દરમિયાન પવનની ગતિ અત્યંત જોખમી સ્તરે પહોંચી શકે છે. સમુદ્ર ઉપર પવનની સામાન્ય ગતિ 40 થી 55 કિમી પ્રતિ કલાકની રહેશે, જે કેટલાક તોફાનો સાથે વધીને 60 થી 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધશે અને દરિયામાં ભારે પ્રવાહ (ઉંચા મોજા) ઉછળશે.
માછીમારોને દરિયો ખેડવાની મનાઈ છે
દરિયામાં સર્જાયેલી આ ખતરનાક સ્થિતિને જોતા વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતના તમામ નાના-મોટા માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા કડક આદેશો કર્યા છે. હાલમાં દરિયામાં રહેલા માછીમારોને તાત્કાલિક સલામત કિનારા પર પાછા ફરવા અને બંદરો પર તેમની બોટને સુરક્ષિત જગ્યાએ મુકવા તાકીદ કરવામાં આવી છે.
ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે
હવામાન નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ, ચોમાસુ હવે ધીમે ધીમે તેની ગતિ પકડી રહ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ ભાગોને આવરી લે તેવી શક્યતા છે. જો કે, બાકીના ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક અને વ્યાપક એન્ટ્રી માટે રાજ્યના નાગરિકોએ હજુ થોડી રાહ જોવી પડશે.

