સુરત મહાનગરપાલિકાની શાળામાં બજારનું વાતાવરણ સર્જાયું : વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદારો સુરત મહાનગર પાલિકાની શાળાઓમાં બજારની માહિતી આપવાનો અનોખો પ્રયાસ કરાયો

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પાઠમાં બજાર વિશેની માહિતી આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના કેમ્પસમાં જ માર્કેટ ઉભુ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દુકાનદાર અને વિદ્યાર્થીઓ ગ્રાહક બન્યા હતા. આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને બજારમાં ખરીદ-વેચાણની સાથે નફો-નુકશાન, નાણાંની ગણતરી, લેવડ-દેવડ અને બજાર વ્યવહારના વ્યવહારિક પાઠ શીખવવામાં આવ્યા હતા.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદો માટે જાણીતી છે પરંતુ કેટલાક શિક્ષકો આ વિવાદોથી દૂર રહીને બાળકોને ખરા અર્થમાં ઘડતર કરી રહ્યા છે. સુરત શિક્ષા સમિતિની શાળાઓ પૈકી નગરપાલિકાના મધ્ય ઝોનમાં આવેલી શાળા નંબર 55માં વિદ્યાર્થીઓને પુસ્તકના પાઠ વ્યવહારીક જીવનમાં લાગુ પડે તે માટે શિક્ષકો દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 19 એ બજાર છે જેમાં વિવિધ પ્રકારના બજાર જેમ કે સાપ્તાહિક બજાર, કરિયાણા બજાર, ઓનલાઈન બજાર વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાળકોને પ્રાયોગિક જ્ઞાન મળી રહે તે માટે શાળાના વર્ગખંડમાં પાઠ ભણાવવા માટે શાળામાં જ એક બજાર ઉભુ કરવામાં આવ્યું હતું. શાળાના કેમ્પસમાં ઉભા કરાયેલા આ માર્કેટમાં માત્ર વિદ્યાર્થીઓને જ વેપારી અને માત્ર વિદ્યાર્થીઓને જ ગ્રાહક બનાવવામાં આવ્યા હતા.

બાળકો શાળામાં આનંદ સાથે જ્ઞાન મેળવે તે હેતુથી શાળાના પટાંગણમાં સંપૂર્ણ બજારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ પોતે દુકાનદાર અને ગ્રાહકો બન્યા અને વિવિધ વસ્તુઓની ખરીદી અને વેચાણ કર્યું. આ પ્રવૃતિ દરમિયાન બાળકોને નફો-નુકશાન, પૈસાની ગણતરી, ભાવ સંતુલન, વ્યવહારો અને બજારના વ્યવહારો અંગેની સમજણ મળી. વિદ્યાર્થીઓને ખરીદદારોને આકર્ષવા માટે ભાવ સેટિંગ, વેચાણ તકનીકો અને ગ્રાહક સંતોષનું મહત્વ પણ શીખવવામાં આવ્યું હતું.

પાઠ્યપુસ્તકોમાં યોજાયેલ બજાર અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની સમજ જેમ કે સાપ્તાહિક બજાર, ગુજરી બજાર, તેમજ ઓનલાઈન બજાર જે આજના યુગમાં મહત્વપૂર્ણ છે તે જીવંત ઉદાહરણો દ્વારા બાળકોને આપવામાં આવી હતી. પાઠ્યપુસ્તકના જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડતી આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રસપ્રદ અને શૈક્ષણિક સાબિત થઈ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોનો આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવાલાયક હતો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી આ નવીન શૈક્ષણિક પદ્ધતિએ બાળકોમાં સર્જનાત્મક વિચાર શક્તિ, વ્યવહારુ કૌશલ્ય અને સહકારી ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version