![]()
સુરત : સુરતના કતારગામ-અમરોલી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે ગજેરા સર્કલ પાસે રત્નમાલા બ્રિજનું બાંધકામ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. માંડ માંડ કાંસાનગરથી અમરોલી સુધીનો વન-વે વિભાગ તૈયાર થયો હતો, પરંતુ નેતા પાસે સમય ન હોવાથી આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બ્રિજ વિભાગ અને પાલિકાની અણઘડ કામગીરી જોવા મળી હતી. બ્રિજના નિર્માણમાં સામા પક્ષે આવેલી શાળાના વિદ્યાર્થીઓની અવરજવરનું ધ્યાન રાખવામાં આવ્યું ન હોવાથી બ્રિજના લોકાર્પણ સમયે જ શાળાના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે રેલીંગ ઉપરથી કૂદતા જોવા મળ્યા હતા તે ચર્ચાનો વિષય બન્યો છે.
કતારગામ ગજેરા સર્કલથી અમરોલીને જોડતો રત્નમાલા જંકશન બ્રિજ રૂ. 62 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે અને તેનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર.પાટીલ અને સુરતના મેયર દક્ષેશ માવાણીએ કર્યું હતું. બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ પુરપાટ ઝડપે વાહનો દોડી રહ્યા હતા જ્યારે બ્રિજની બીજી તરફ ભારત સેવાશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામેના છેડેથી આવી ગયા હતા. તેમના માટે રોડ ક્રોસ કરવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે રેલિંગ ઓળંગવી પડે છે. આ સ્થિતિમાં અકસ્માતનો ભય હોવા છતાં તંત્ર દ્વારા આયોજન ન કરાયું હોવાની ફરિયાદો પુલના ઉદઘાટનના પ્રથમ દિવસે જ ઉઠી રહી છે. આ ફરિયાદ બાદ મેયરે તંત્રને રેમ્પ બનાવવા તાકીદ કરી છે.