સુરત રેઈન અપડેટ: સુરતમાં આજે રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થયો હતો. આજે લિંબાયત ઝોનમાં આવેલા કાપડ માર્કેટ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે માર્કેટ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને લિંબાયત પ્રવાહમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.
સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સુરતના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હજારો લોકો કામ અર્થે જાય છે, પરંતુ આજે સવારથી જ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. શહેરના મિલેનિયમ માર્કેટથી રઘુકુલ ગરનાળા સુધીના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. કાપડ બજારોથી ધમધમતો આ વિસ્તાર દર વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરે છે. પરંતુ કાયમી નિકાલ થતો નથી જેથી લોકો હેરાન થાય છે અને દર વરસાદમાં અહીં ટ્રાફિક જામ થાય છે. આ ઉપરાંત લિંબાયતમાં નાળામાં પાણી હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.