![]()
સુરતમાં ACBનું ક્રેકડાઉન: સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લિંબાયત ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (વર્ગ-1) અને એક પત્રકાર સામે લાંચનો કેસ નોંધ્યો છે. બાંધકામ અંગે ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદીના બાંધકામ અંગે પાલિકા દ્વારા ડિમોલિશન નોટિસ આપવામાં આવી હતી. લિંબાયત ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિપુલ શશિકાંત ગણેશવાલા અને સ્થાનિક અખબારના પત્રકાર મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે પરવાના પઠાણ ડિમોલિશન પ્રક્રિયાને રોકવા માટે મળ્યા હતા. બંનેએ શરૂઆતમાં રૂ. 21 લાખની માંગણી કરી હતી, જે બાદમાં રૂ. 15 લાખમાં સેટલ થઇ હતી. લાંચના પ્રથમ હપ્તા તરીકે 4 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
આ પણ વાંચોઃ પંચમહાલ અપહરણ-બળાત્કાર કેસ, 20 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ
ACB ટ્રેપ અને આરોપીઓ નાસી છૂટ્યા
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા 19મી ફેબ્રુઆરીએ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. પત્રકાર મોહમ્મદ ઈસ્માઈલ 4 લાખ રૂપિયાની રોકડ સ્વીકારવા આવ્યા હતા. લાંચની રકમ સ્વીકાર્યા બાદ એસીબીની ટીમ ધસી આવે તે પહેલા જ પત્રકાર રોકડ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા પણ સ્થળ પર હાજર જોવા મળ્યા ન હતા.
આ મામલે એસીબીએ કાર્યપાલક ઈજનેર અને પત્રકાર બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે કે આરોપીઓએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તન કર્યું હતું. હાલ એસીબીની અલગ-અલગ ટીમો આ બંને આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકાના તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.