સુરત સમાચાર: સુરતના સરથાણાના યોગીચોક પાસેની સોસાયટીમાં રહેતી 29 વર્ષીય પરિણીત મહિલાએ તેના 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવ્યું, બાદમાં માતા-પુત્ર બંનેએ જાતે એસિડ પીને મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકની ડિલિવરી બાદ મહિલાની માનસિક સ્થિતિ વધુ ખરાબ થતાં તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
યુવતીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીની અને હાલ સરથાણા યોગીચોકના એવન હાઈટ્સમાં રહેતી 29 વર્ષીય ધારાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. ચાર મહિના પહેલા તેણીએ માસુમ પુત્ર રીશનને જન્મ આપ્યો હતો. ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બિમારીથી પીડાતી હતી અને દવા પણ લઈ રહી હતી. બાળકના જન્મ પછી તેની માનસિક સ્થિતિ બગડી હતી. તેમની સતત બગડતી તબિયતને કારણે પરિવાર પણ ખૂબ ચિંતિત હતો. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ ખાવાનું પણ બંધ કરી દીધું હતું અને તે ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી.
1 જૂનની સાંજે ધારાએ તેના 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવ્યું હતું અને બાદમાં તેણે પોતે પણ એસિડ ગળી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેએ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ થતા સરથાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.