સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસઃ સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી ગણાતી તેની લેડી ફ્રેન્ડ પૂનમ ભદોરિયાએ હવે જેલમાંથી મુક્ત થવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. પૂનમ ભદોરિયાએ ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી છે, જેના પર હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 22 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કરતા સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ તુષાર ઘેલાનીની પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પૂનમ ભદોરિયા તેના પિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પુત્રીના આરોપ મુજબ, પૂનમ તેના પિતાને બ્લેકમેલ કરતી હતી અને આર્થિક કે અન્ય માંગણીઓ કરીને તેને સતત હેરાન કરતી હતી.
બ્લેકમેઇલિંગ અને ફોન કોલના પુરાવા
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તુષાર ઘેલાનીની પુત્રીના લગ્ન હતા ત્યારે પૂનમે તેના આગલા દિવસોથી ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.
તુષાર ઘેલાનીએ આપઘાત કર્યો તેના આગલા દિવસે પૂનમે તેને અનેક ફોન કોલ્સ કર્યા હતા. પોલીસ પાસે આ કોલ ડિટેલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવા છે. આ પુરાવાના આધારે પોલીસે પૂનમ ભદોરિયાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ સુરતઃ પ્રસાદીના લાડુના ઝેરના મામલામાં મોટો ખુલાસો, પાડોશી મહિલાએ આખા પરિવારની હત્યાનું ઘડ્યું કાવતરું
એફઆઈઆર રદ કરવા માટે પણ અરજી કરી હતી
એક તરફ, પૂનમ ભદોરિયાએ જામીન માટે અરજી કરી છે, તો બીજી તરફ, તેણીએ તેની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ (એફઆઈઆર) રદ કરવા માટે હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો છે. પૂનમ દલીલ કરે છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે. જોકે પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં છે, પરંતુ જામીન મેળવવાના આ પ્રયાસો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવાનું એ રહે છે કે 22 એપ્રિલની સુનાવણીમાં હાઈકોર્ટ પૂનમ ભદોરિયાને રાહત આપે છે કે કેમ.