લોથલમાં કરોડો રૂપિયાનું મેરીટાઇમ મ્યુઝિયમ છે
‘દીવા હેઠળ અંધારું‘ આવી સ્થિતિ વચ્ચે છેલ્લા 15 દિવસથી ગ્રામજનો પાણીના ટીપાં માટે સંઘર્ષ કરી રહ્યા છે, તળાવના પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી
બગોદરા – ધોળકા તાલુકામાં કરોડોના ખર્ચે વિશ્વ કક્ષાનું લોથલ મેરીટાઇમ મ્યુઝિયમ આકાર લઇ રહ્યું છે, જે ભારતના ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરશે. પણ, આ ભવ્યતાના પડોશમાં આવેલું સરગવાડા ગામ આજે પીવાના પાણીની પ્રાથમિક જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યું છે. ‘દીવા હેઠળ અંધારું‘
આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 15 દિવસથી ગ્રામજનો પાણીના ટીપાં માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ઉનાળો શરૂ થાય તે પહેલા જ સરગવાડા ગામમાં પાણીની કટોકટી સર્જાઈ છે. ગામમાં છેલ્લા બે સપ્તાહથી પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. ભાલ પંથકમાં હાલ ચણા અને ઘઉંની કાપણીની સિઝન ચાલી રહી છે ત્યારે પુરુષો ખેતમજૂરી કરવા જાય છે., ત્યારે પાણીની વ્યવસ્થાનો સમગ્ર બોજ મહિલાઓ પર આવી ગયો છે. મહિલાઓને પીવાનું પાણી લેવા માટે દોઢથી બે કિલોમીટર ચાલીને વડિયા વિસ્તારમાં જવું પડે છે.
પરિસ્થિતિ એટલી વિકટ છે કે મહિલાઓને ગામના અસ્વચ્છ તળાવના પાણીમાં કપડાં અને વાસણો ધોવાની ફરજ પડી છે. ગંદા પાણીના વપરાશથી ગામમાં ચામડીના રોગો અને અન્ય રોગો ફેલાય છે. સ્થાનિક મહિલાઓએ ગુસ્સાથી કહ્યું, અમે 15 દિવસથી પરેશાન છીએ. સરકાર મ્યુઝિયમ પાછળ કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ તેઓ અમને પીવાનું પાણી આપી શકતા નથી.
સિસ્ટમની બેદરકારી અથવા ગેરકાયદે જોડાણની સ્વીકૃતિ
આ જળસંકટ પાછળ ટેકનિકલ ખામી કરતાં માનવસર્જિત કારણો વધુ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભોલાદ ગામમાંથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં અનેક ગેરકાયદે કનેકશન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર જોડાણો કોના નેજા હેઠળ ચાલી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી
ડીડીને ગામની મુલાકાત લેવા વિનંતી
સરગવાડામાં આ વિકટ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ હવે ઉચ્ચ કક્ષાએથી જિલ્લા વિકાસ અધિકારી સરગવાડા ગામની સીધી મુલાકાત લેશે તેવી ગ્રામજનો આશા સેવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ ગામની મુલાકાત લેવી જોઈએ અને ગેરકાયદેસર જોડાણો કાપવા કડક આદેશો આપવા જોઈએ અને ગામને દરરોજ સમયસર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.