ગોત્રીના વૃંદાવનનગર ખાતે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલી નવી શાક માર્કેટની કામગીરી સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં એકજૂથ રહીશોએ કાર્યસ્થળે પહોંચી સૂત્રોચ્ચાર કરી મહાનગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આજે બપોરે વૃંદાવનનગર પાસે નગરપાલિકા. કોર્પોરેશનના પ્લોટમાં નવી શાકમાર્કેટ બનાવવા સામે સ્થાનિક રહીશોએ વિરોધ કરીને કામ અટકાવી દીધું હતું.
રહીશોનું કહેવું છે કે શાકમાર્કેટ ખુલવાથી બહારના લોકોની અવરજવર વધશે જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાશે. પ્લોટનો વિસ્તાર નાનો હોવાને કારણે વેપારીઓ અને ગ્રાહકોના વાહનો માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા થઈ શકશે નહીં, જેના કારણે સ્થાનિકોને રોજીંદી હાડમારીનો સામનો કરવો પડશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષોથી આ સ્થળે સમાજના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાય છે. આ પ્લોટમાં સાર્વજનિક બગીચો બનાવવા માટે ભૂતકાળમાં મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવામાં આવી છે, જેથી શાકમાર્કેટને બદલે અહીં બગીચો બનાવવાની માંગ ઉઠી છે.