– 17મીએ પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ
– સર્કલ ઓફિસ હેઠળના 32 સબ ડિવિઝનમાં 320 ટીમોને ડ્યુટી ફાળવવામાં આવી
ભાવનગર: ફેબ્રુઆરી મહિનામાં બે વખત મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કર્યા બાદ અને કરોડોના બાકી વીજ બિલોની વસૂલાત કર્યા બાદ હવે 17મી માર્ચના રોજ ફરી એક વખત PGVCL ભાવનગર વર્તુળ કચેરી દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. સમયસર વીજ બીલ ન ભરતા 6 હજારથી વધુ ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કામગીરી માટે 320 ટીમોને ડ્યુટી ફાળવવામાં આવી છે.
PGVCL ભાવનગર વર્તુળ કચેરીએ ગયા ફેબ્રુઆરીમાં બે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરી હતી અને કરોડો રૂપિયાના બાકી વીજ બિલોની વસૂલાત પૂર્ણ કરી હતી. જે બાદ ભાવનગર વર્તુળ કચેરી દ્વારા ફરી એકવાર મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. 17મી માર્ચના રોજ ભાવનગર વર્તુળ કચેરીની પાંચ વિભાગીય કચેરીઓ હેઠળના વિસ્તારોમાં આ ડ્રાઈવ યોજાશે. જેમાં વિભાગ દીઠ 10 ટીમો મળીને કુલ 320 ટીમોને ફરજ ફાળવવામાં આવી છે. લાઇટ બિલ નહીં ભરનાર ગ્રાહકનું વીજ જોડાણ કાપી નાખવામાં આવશે. કનેક્શન પુનઃસ્થાપિત કરવા માટે, ગ્રાહકે સબ-ડિવિઝનલ ઓફિસમાં વીજળી બિલની રકમ અને પુનઃજોડાણ ચાર્જ ચૂકવવો પડશે. 17મી માર્ચ મંગળવારના રોજ વીજ બિલ ન ભરનાર 6400 ગ્રાહકોના વીજ કનેકશન કાપવામાં આવશે.
જિલ્લાના 10 ગામોમાં એક પણ વીજ બિલ બાકી નથી
ભાવનગર જિલ્લાના વેલેસપુર, સીતાપુર, સેંદરડા, ગોલરામા, જુના પાદર, જાલીડીયા ખારા, માળીયા, મોટી માંડવાળી અને પડિયારકા જેવા ગામડાઓમાં હજુ સુધી એક પણ ગ્રાહક એવો નથી કે જેણે વીજ બીલ ભરવાનું બાકી હોય 100% બાકી વીજ બીલ ચૂકવી દેવામાં આવ્યા છે.