બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટ નિમિષા ધોત્રેએ ઐતિહાસિક જીત મેળવી છે. રાજ્યભરમાંથી 99 ઉમેદવારો વચ્ચેની હરીફાઈમાં વડોદરામાંથી વિજયી થનારી તે એકમાત્ર મહિલા ઉમેદવાર બની હતી.
6 માર્ચે યોજાયેલી આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી 45 હજારથી વધુ વકીલોએ મતદાન કર્યું હતું. જેમાંથી કુલ 23 ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે ચૂંટાયા છે, જેમાં પાંચ બેઠકો મહિલાઓ માટે અનામત છે.
વડોદરામાંથી ત્રણ મહિલા સહિત કુલ 9 વકીલો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં એડવોકેટ શીતલ ઉપાધ્યાય, નિમિષા ધોત્રે પટેલ, રશીદ વ્હોરા, નલિન પટેલ, વિક્રમ પઢિયાર, યુનુસખાન પઠાણ, જગત દેસાઈ, રણજીત રાઠોડ અને અનીશા સૈયદનો સમાવેશ થાય છે. દિવાળીપુરા કોર્ટમાં 2723 વકીલ મતદારોએ મતદાન કર્યું હતું.
નિમિષા ધોત્રે 2128.87 મત મેળવ્યા અને ક્વોટા (1928.59) કરતા વધુ મતોથી જીત્યા. મહત્વનું છે કે, બાર કાઉન્સિલના ઈતિહાસમાં અગાઉ કોઈ મહિલા ઉમેદવારે ક્વોટા પાર કર્યો ન હતો, જેના કારણે આ જીતને ઐતિહાસિક ગણવામાં આવે છે.
જીત બાદ નિમિષા ધોત્રેએ સમગ્ર ગુજરાતના વકીલોનો આભાર વ્યક્ત કર્યો છે