પેન્સિલને બદલે સાવરણી પકડી રાખતા વિદ્યાર્થીઓનો આક્રોશ
સાવરણી વડે સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલઃ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું મૌન
સુરેન્દ્રનગર- સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે લીંબડી તાલુકાના ઉમાદપરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે સફાઈ કરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વિદ્યાર્થીઓ હાથમાં ઝાડુ લઈને શાળાના મેદાનની સફાઈ કરતા જોવા મળે છે.
વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણની આશાએ શાળાએ મોકલે છે, પરંતુ ઉમેદપર ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક મજૂરી અને સફાઈ કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેઓ કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના મૌન સેવી રહ્યા છે.
સ્થાનિકોની માંગ છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડવા અને તેમને મજૂરી કરવા માટે જવાબદારો સામે કડક તપાસ થવી જોઈએ. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતી આવી પ્રવૃત્તિઓને અટકાવીને શાળાઓમાં ભણતરનું વાતાવરણ જાળવવું અનિવાર્ય બન્યું છે.