![]()
ગુજરાત હવામાન આગાહી: ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી વેગ પકડી રહી છે, જેના કારણે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (7 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
IMD અનુસાર, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ ચક્રવાતનું પરિભ્રમણ સક્રિય છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, દક્ષિણપશ્ચિમ ચોમાસું ગોવા અને બેંગલુરુ પહોંચી ચૂક્યું છે અને આગળ વધી રહ્યું છે. 7 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદી વાતાવરણ રહેશે.
અમદાવાદમાં પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે, જેના કારણે બપોરનો સમય ગરમ અને ભેજવાળા રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ગઈ કાલે મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી વધુ હતું.
8 થી 10 જૂનની આગાહી
આગામી 8મીથી 10મી જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
11-12 જૂનની આગાહી
રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જેમાં 11-12 જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, મહિસાગર, પંચમહાલ, ભરૂચ, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
