સરકારી તંત્રની ‘કાચબાની ગતિ’થી ત્રસ્ત ખેડૂતો
ગત વર્ષે અકસ્માતનો ભોગ બનેલા 105 ખેડૂત પરિવારોને અરજીઓ મળી હતી, માત્ર 46 મંજૂર થઈ હતી, 59 અરજીઓ હજુ ફાઈલોમાં છે.
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ‘ખેડૂત અકસ્માત વીમા સહાય’ યોજના હેઠળ વર્ષ દરમિયાન મળેલી 105 અરજીઓમાંથી અડધાથી વધુ એટલે કે 59 ખેડૂત પરિવારો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા છે, જે સરકારના ખેડૂતોના હિતની વાત કરતી હોવાના દાવાઓને છતી કરે છે. જેમાં માત્ર 46 અસરગ્રસ્ત પરિવારોને રૂ.104 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.
તાજેતરમાં વિધાનસભામાં રજુ થયેલી વિગતો મુજબ તા.31/12/2025ના રોજ રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ખેડૂત અકસ્માત વીમા યોજનાના અમલીકરણમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષે જિલ્લામાં અકસ્માત કે દુર્ઘટનાનો ભોગ બનેલા ખેડૂત પરિવારમાંથી કુલ 105 અરજીઓ આવી હતી જેમાંથી માત્ર 46 અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. એટલે કે 56% ખેડૂત પરિવારો હજુ વળતરથી વંચિત છે.
આકસ્મિક કટોકટીની વિકટ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત પરિવારને આધારની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે 59 અરજીઓ મંજૂર થતી નથી અથવા વિલંબિત થાય છે તે હકીકત સરકારી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ વહીવટી પ્રક્રિયાના જટિલ નિયમોના કારણે ખેડૂતોને તેમની બાકી રકમ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.
સ્થાનિક ખેડૂત નેતાઓના જણાવ્યા અનુસાર, ખેડૂત અથવા તેના પરિવારના કોઈ સભ્યના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં એક્સ-ગ્રેશિયા આપવામાં આવે છે, જેમાં રાજ્યના તમામ મુદત ધરાવતા ખેડૂતો કે જેમની પાસે તેમના નામે જમીન છે, તેમના પતિ અથવા પત્નીઓ અને તેમના તમામ બાળકો, 5 થી 70 વર્ષની વય વચ્ચેનો સમાવેશ થાય છે. નવા સુધારા મુજબ આ યોજનામાં સહાયની રકમ વધારીને રૂ. 4 લાખથી રૂ.6 લાખ. આ યોજના માટે ખેડૂતે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડતું નથી. સરકાર પોતે વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે છે. જેમાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતનો હિસ્સો સામેલ છે. પરંતુ જો સમયસર મદદ ન મળે તો આવી યોજનાઓ અર્થહીન છે.