તાજેતરમાં બનેલી રક્ષિત ઘટના બાદ શહેરમાં બેદરકાર અને નશામાં ધૂત વાહન ચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આવી જ વધુ એક ઘટના આજે સામે આવી છે. આજે રાત્રે માંજલપુર વિસ્તારમાં શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલી કારને નશામાં ધૂત બસ ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં કારને નુકસાન થયું હતું. જોકે, કારમાં સવાર માતા-પુત્રનો જીવ સદનસીબે બચી ગયો હતો.
ડ્રાઈવર ચાંદનીબેનના કહેવા મુજબ તેણે કાર સ્ટોપ લાઈનમાં ટ્રાફિક સિગ્નલ ખૂલવાની રાહ જોઈને ઉભી રાખી હતી. તે દરમિયાન એક સ્પીડમાં આવતી બસે અચાનક તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો પાછળનો ભાગ કચડાઈ ગયો હતો. ચાંદનીબેને વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ બસ ચાલકના મોઢામાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી અને તેની વાણી પણ સ્પષ્ટ ન હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બસ ચાલક ધર્મેશની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં બસ ડ્રાઈવરે કબૂલ્યું હતું કે તેણે થોડું પીધું હતું અને દાવો કર્યો હતો કે ટ્રાફિક સિગ્નલ પાસે કાર ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસે તાજેતરમાં દારૂ પીધેલા વાહનચાલકો સામે ખાસ ઝુંબેશ હાથ ધરીને 40થી વધુ દારૂડિયા વાહન ચાલકોની ધરપકડ કરી હતી. તેમ છતાં આવી ઘટનાઓ અટકતી નથી અને શહેરમાં ચિંતાનું કારણ બની રહી છે. લોકો કડક કાર્યવાહી અને સતત ચેકિંગની માંગ કરી રહ્યા છે.