રિક્ષામાં મહિલાનું અપહરણ કરી રૂ.70 હજારની લૂંટ ચલાવી હાઇવે પર બેભાન હાલતમાં ફેંકી દેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી અજય ઉર્ફે હીરાભાઇ વાલા (રહે. નવા નરોડા, અમદાવાદ. મૂળ રહે. બાબરા, અમરેલી)ની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
ગઈકાલે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે વાંધો ઉઠાવી દલીલ કરી હતી કે, આરોપીઓ સમક્ષ પ્રથમવાર જોવાની ઘટના પુરવાર થઈ છે. આરોપીઓ સામે અગાઉ હત્યા, હત્યાના પ્રયાસ સહિતના 7 ગુના નોંધાયેલા છે. આરોપીને જામીન પર છોડવો વ્યાજબી નથી.
કોર્ટે નોંધ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં, આરોપી મહિલાને તેની થાર કારમાં નેશનલ હાઈવે પર પોરથી વડોદરા આણંદ તરફ લઈ જતો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખિત સ્થળોએથી આરોપીનો CDR (કોલ ડિટેલ રેકોર્ડ) રિકવર કરવામાં આવ્યો છે. આરોપીએ પેરોલ જમ્પ કર્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે, તેથી તમામ સંજોગોને ધ્યાને લઈ આરોપીને જામીન આપવાનું વ્યાજબી જણાતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇ, 2024માં પોર જીઆઇડીસીમાં કામ કરીને ઘરે જતી પ્રિયા ગોપાલભાઇ વસાવા (ઉંમર 51) (રહે. કંડારી ગામ, કરજણ)ને રિક્ષામાં આવેલા ચાર શખ્સોએ બેભાન કરી દીધા હતા અને તેણીના દાગીના અને રોકડ મળીને કુલ રૂ. 70,700ની લૂંટ ચલાવી બેભાન મહિલાને દુમાડ ચોકડી પાસે ફેંકી દઇ ફરાર થઇ ગયેલા આરોપી વિરૂધ્ધ વરણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.