સુરત કોર્પોરેશન: સુરતમાં ચોમાસાના પહેલા જ વરસાદે પાલિકાની પ્રીમોન્સુન કામગીરીના દ્વાર ખોલી નાખ્યા છે. પાંડેસરામાં ભુવામાં સિટી બસ પલટી અને ડીંડોલીમાં વાહન ફસાઇ જવાની ગંભીર ઘટના બની હતી. આશ્ચર્યની વાત તો એ છે કે શહેરમાં આવી ગંભીર ઘટના બન્યા બાદ પણ લગભગ ત્રણ કલાક સુધી મેયર અને પાલિકાના અધિકારીઓને તેની જાણ કરવામાં આવી ન હતી. ગંભીરતાને ધ્યાને લઈ સોમવારે સાંજે મેયરની અધ્યક્ષતામાં તાકીદની સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં શહેરમાં કોઈ ગંભીર ઘટના બને તો તાત્કાલિક પદાધિકારીઓને જાણ કરવા અને ઝોન-વિભાગો વચ્ચે જવાબદારી બદલવાની પ્રથા બંધ કરવા અધિકારીઓને ભારપૂર્વક તાકીદ કરવામાં આવી હતી. સુરતમાં પ્રથમ વરસાદ બાદ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી શરૂ થતા ઝોન અને વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા હોવાથી સોમવારે સાંજે મેયર માયા માવાણીએ તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ઝોનલ ચીફ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શાસકોએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરમાં ગંભીર ઘટનાઓની સમયસર જાણ કરવામાં નિષ્ફળતા એ ઘોર બેદરકારી છે અને ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં આવી સ્થિતિ આચરવામાં આવશે નહીં.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે અધિકારીઓને આકરા શબ્દોમાં સંબોધતા જણાવ્યું હતું કે, જ્યારે રોડ તૂટી જાય, ખાડા પડે કે અન્ય સમસ્યાઓ હોય ત્યારે ઝોન અને વિભાગો એકબીજા પર દોષારોપણ કરતા હોય છે. જેના કારણે માત્ર કામગીરીને જ અસર થતી નથી પરંતુ પાલિકાની છબી પણ ખરડાઈ રહી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ઝોન અને વિભાગો વચ્ચે ખો-ખોની રમત રમવાથી પાલિકાની હાલત ખરાબ થાય છે. હવે આ ટ્રેન્ડ બંધ થવો જોઈએ. દરેક વિભાગે સંકલન સાથે જવાબદારીપૂર્વક કામ કરવું પડશે.
બેઠકમાં તમામ ઝોનલ વડાઓ, માર્ગ વિભાગ, ડ્રેનેજ વિભાગ, હાઇડ્રોલિક વિભાગ અને સંબંધિત અધિકારીઓને આગામી 48 કલાકમાં શહેરના મુખ્ય માર્ગો, તાજેતરમાં સમારકામ કરાયેલા રસ્તાઓ અને ખોદકામ બાદ પુનઃનિર્માણ કરાયેલા રસ્તાઓનું સ્થળ નિરીક્ષણ કરવા આદેશ કરાયો હતો. વરસાદને કારણે જ્યાં રસ્તાઓ ડૂબી ગયા હોય, ખાડા પડી ગયા હોય અથવા ક્ષતિગ્રસ્ત થયા હોય તેવા તમામ સ્થળોએ તાત્કાલિક સમારકામ હાથ ધરવા પણ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત ખોદકામ બાદ યોગ્ય પુરાણ, કોમ્પેક્શન અને ક્વોલિટી કંટ્રોલ નહીં જળવાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા શાસકોએ કરી હતી.
શાસકોની બેઠકમાં શહેરમાં વરસાદી માહોલ દરમિયાન બનતી તમામ ઘટનાઓની માહિતી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી તાત્કાલિક પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે ઝડપથી સંકલન થાય તે માટે ખાસ ગ્રુપ બનાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.