શહેર-જિલ્લાના 9 કેન્દ્રો પર સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
1,300 જેટલા સ્ટાફ ફરજ પર રહેશે, મતગણતરી માટે પોલીસ ફરજ પર રહેશે: બપોર સુધીમાં વિજેતાઓનું ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા
ભાવનગર – ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેનો આદેશ આવતીકાલે આખરી છે. જીતની આશા રાખનારા ઉમેદવારો માટે મંગળવાર શુભ કે અશુભ રહેશે? તેની અંતિમ તસવીર બપોર સુધીમાં બહાર આવી જશે. ઈવીએમમાં લાખો મતદારોએ આપેલો આદેશ બહાર આવ્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પુનરાવર્તનનો પવન ફૂંકાશે કે પછી પરિવર્તનનું વાવાઝોડું ફરી વળશે? લોકો તેને ઉત્સુકતાથી જોશે.
ભાવનગર જિલ્લાની મનપા, 3 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતની 376 બેઠકો માટે સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું હતું. હવે આવતીકાલે તા.28-4ને મંગળવારે શહેર-જિલ્લાના 9 કેન્દ્રો પર સવારે 9 કલાકે મતગણતરી શરૂ થશે. ઈવીએમમાં ફસાયેલા 118 ઉમેદવારોના ભાવિ સવારથી ખુલવા લાગશે અને મોટાભાગની બેઠકો પર કયા પક્ષ અને કયા ઉમેદવારને જનતાએ વિજેતાનો તાજ પહેરાવ્યો? તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
તમામ મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. ઉમેદવારો અને તેમના એજન્ટો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ અને અન્ય અધિકૃત વ્યક્તિઓ સિવાયની અન્ય કોઈ વ્યક્તિઓને મતદાન મથકથી 200 મીટરની ત્રિજ્યામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી માટે 1300 જેટલા સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
જિલ્લાના 6.58 લાખ, મહાપાલિકાના 2.51 લાખ મતદારોના મતોની ગણતરી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2,51,379 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ તમામ મતદારોના મત શહેરની સરકારી ઈજનેરી કોલેજમાં ત્રણ વોર્ડ પ્રમાણે ચાર અલગ-અલગ રૂમમાં ગણવામાં આવશે. તેવી જ રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6,58,464 મતદારોએ મતદાન કર્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં 6,50,733 મતદારોએ મતદાન કર્યું છે. લોકશાહીના ભવ્ય ઉત્સવમાં ત્રણ નગરપાલિકાઓમાં 79,250 મતદારોએ ભાગ લીધો હતો. આવતીકાલે એક મતની મતગણતરી સાથે પાંચ વર્ષની સત્તા કયા પક્ષને સોંપવામાં આવશે તેનો નિર્ણય આવી જશે.