પાટણ: શહેર અને જિલ્લામાં 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા જ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવામાં આવ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. આ વખતે પાઠ્યપુસ્તક મંડળે તમામ શાળાઓને સમયસર પુસ્તકો મળી રહે તેવું આયોજન કર્યું છે.
પાટણ શહેર અને જિલ્લામાં ઉનાળુ વેકેશન હોવા છતાં અને સરકારી શાળાઓ શરૂ થાય તે પહેલા રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે આપવામાં આવતા પુસ્તકોના સેટ પહોંચાડવામાં આવ્યા છે. જેથી વેકેશન પૂર્ણ થયા બાદ બાળકો વિવિધ પુસ્તકો વાંચી શકશે. વિષયના પુસ્તકો અભ્યાસ માટે ઉપલબ્ધ રહેશે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા DEO હેઠળ SVS TPEO, AO દ્વારા સંબંધિત શાળાઓને પાઠ્યપુસ્તકો તાલુકા મથકે પહોંચાડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં શાળાઓ શરૂ થાય તે પહેલા વેકેશન દરમિયાન તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મફત પાઠયપુસ્તકો પહોંચાડવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં તાલુકા કક્ષાએ પુસ્તકોના સેટ ઉતાર્યા બાદ પગાર કેન્દ્રની શાળાઓમાં અને આ રીતે દરેક શાળામાં પુસ્તકોના વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પાટણ જિલ્લામાં 27, 28 અને 29 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે. તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો આ વખતે શાળાઓમાં અગાઉથી પહોંચી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9 થી 12 ના અંદાજે 56000 વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક શાળાના 1.48 લાખ જેટલા બાળકોને સરકારી શાળાઓમાં મફત પાઠયપુસ્તકોનો લાભ મળશે.