દ્વારકા-જૂનાગઢમાં પૂર: ગાંડીતૂરમાં નદીઓ, કેટલાય ગામો સંપર્ક વિહોણા, જગ્યાએ 14 ઈંચ, જગ્યાએ 12 ઈંચ


ગુજરાતમાં ભારે વરસાદઃ રાજ્યમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ ગઈકાલે સવારે છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં પોરબંદરમાં 22 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં NDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. પોરબંદર બાદ જૂનાગઢમાં બે દિવસમાં 14 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર સર્જાયો હતો. જેમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં દયનીય સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આજે (19 જુલાઈ) રાજ્યના 94 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ સાથે NDRFની ટીમે દ્વારકામાં 12 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને બચાવી લીધા હતા.

કેસોદ તાલુકામાં બે દિવસમાં 14 ઈંચ વરસાદ

રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે, ત્યારે જૂનાગઢના કેશોદ તાલુકામાં બે દિવસમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વંથલીમાં બે દિવસમાં 13 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે મેંદરામાં સાડા ત્રણ ઈંચ, જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાડા ત્રણ ઈંચ, માણાવદરમાં દોઢ ઈંચ, માળીયા હાટીનામાં ત્રણ ઈંચ, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી ઓછો વિસાવદર તાલુકામાં 11 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ જિલ્લાના 75 જેટલા રસ્તાઓ બંધ છે

રાજ્યમાં વહેલી સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો પોરબંદર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે 75 જેટલા રસ્તાઓ બંધ છે. જ્યારે જૂનાગઢનાં 62 ગામોમાં વરસાદ ખાબક્યો છે.

કલેક્ટરે જિલ્લામાં વરસાદી સ્થિતિ અંગે માહિતી આપી હતી

હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ, જૂનાગઢમાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ‘ભારે વરસાદને કારણે 75થી વધુ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં 65 જેટલા ગામડાંનો સંપર્ક તૂટી ગયો હતો. આ સાથે 14 રૂટ પર એસટી બસ બંધ કરી દેવામાં આવી છે. નવ ડેમ ઓવરફ્લો થતા 53 નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.’

દ્વારકામાં દિવસભર 12 ઈંચ વરસાદ

રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્વારકામાં દિવસભર 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દ્વારકામાં 12 કલાકમાં વીજળીના કડાકા સાથે કલ્યાણપુર તાલુકામાં છ ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા બે વ્યક્તિને NDRFની ટીમે બચાવી લીધા હતા

મુશળધાર વરસાદને કારણે દ્વારકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સ્થિતિમાં ભાટિયા ગામમાં ફસાયેલા બે લોકોને NDRFની ટીમે બચાવી લીધા હતા. બીજી તરફ, જિલ્લા કલેક્ટરે ભારે વરસાદની સ્થિતિને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version