અમદાવાદઃ ગુજરાતમાં એક સપ્તાહમાં ચોમાસું બેસી જશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ભારતમાંથી આગળ વધીને મહારાષ્ટ્રના રત્નાગીરી પહોંચ્યું છે. અને એક સપ્તાહમાં એટલે કે 12મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થશે. દરમિયાન ગુજરાતમાં ખેડૂતોએ વાવણીની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ચોમાસુ મધ્ય અરબી સમુદ્રમાંથી મહારાષ્ટ્રના રત્નાગીરી પહોંચી ગયું છે. અને આગામી 2-3 દિવસમાં મુંબઈ પહોંચશે. જ્યારે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં 9મી જૂનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થશે.આ ઉપરાંત 12મીથી 15મી જૂન દરમિયાન સવારે 10:00 વાગ્યાની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. એટલે કે એકાદ સપ્તાહમાં જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદી માહોલ સર્જાશે. આગામી સપ્તાહમાં ખેડૂતો વાવણી કરી શકે તેવો વરસાદ પડશે. જેમાં બે-ત્રણ દિવસમાં 3 થી 4 ઈંચ વરસાદની સંભાવના છે.
કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીનું પ્રમાણ 40 થી 45 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. આકરી ગરમી પાછળનું કારણ એ છે કે ઉત્તર ભારતમાં ઓછો વરસાદ થયો છે. વળી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈએ તેટલું આવ્યું ન હતું, જેના કારણે ગરમ અને સૂકા પવનો સતત રહ્યા હતા જેના કારણે આ વર્ષે ઉનાળાનું તાપમાન ઘણું વધારે હતું. સોરઠ પંથકમાં તાલાલા બાદ હવે કેશોદ, વંથલી પંથકમાં કેરીની સિઝન શરૂ થઈ છે જે હજુ એકાદ માસ ચાલુ રહી શકે છે અથવા જો વહેલો વરસાદ પડે તો આ મોડા પાકને નુકસાન થઈ શકે છે. સોરઠ પંથકમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે અને જ્યાં પાણી પુરવઠો હોય તેવા વિસ્તારોમાં હવે મગફળીનો આગોતરો પાક શરૂ થયો છે.