નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સંરક્ષણ મંત્રાલયને રૂ. 6.22 લાખ કરોડ ફાળવ્યા, જે ગયા વર્ષ કરતાં 4.8 ટકા વધુ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કેન્દ્રીય બજેટ 2024-25માં સંરક્ષણ મંત્રાલયને રૂ. 6,21,940 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 4.79 ટકા વધુ છે. સંરક્ષણ મંત્રાલયને બજેટની ફાળવણી તમામ મંત્રાલયોમાં સૌથી વધુ છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે કહ્યું કે બજેટ સમૃદ્ધ અને આત્મનિર્ભર ‘વિકસિત ભારત’ તરફ આગળ વધવામાં મદદ કરશે.
બજેટનો ઉદ્દેશ્ય સંરક્ષણ ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા’ને પ્રોત્સાહન આપવા, સશસ્ત્ર દળોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવાનો અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે.
સંરક્ષણ દળો માટે મૂડી ખર્ચ 1.72 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ ફાળવણી કુલ બજેટના લગભગ 13 ટકા છે.
સંરક્ષણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, iDEX (ADITI) યોજના સાથે નવીન તકનીકોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે રૂ. 518 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે સ્ટાર્ટઅપ્સ અને MSMEs તરફથી ટેક્નોલોજી સોલ્યુશન્સને સમર્થન આપશે.
સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવવી
આ નાણાકીય વર્ષમાં, આધુનિકીકરણ બજેટના 75 ટકા, એટલે કે રૂ. 1,05,518 કરોડ, સ્થાનિક ઉદ્યોગો દ્વારા પ્રાપ્તિ માટે રાખવામાં આવ્યા છે.
વ્યૂહાત્મક જરૂરિયાતો માટે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર
બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે, બજેટ અંદાજ (BE) 2024-25 માટે કેપિટલ હેઠળ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ને રૂ. 6,500 કરોડની બજેટ ફાળવણી કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ વ્યૂહાત્મક માળખાગત વિકાસને વધારવા અને સરહદી વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ ફાળવણી
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ને નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 7,651.80 કરોડ મળશે, જેમાંથી રૂ. 3,500 કરોડ મૂડી ખર્ચને સમર્પિત છે. આ ઉભરતા દરિયાઈ પડકારોનો જવાબ આપવા અને અન્ય દેશોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ICGની ક્ષમતાઓને વધારશે.