વડોદરામાં અકસ્માતની ઘટના: વડોદરા શહેરમાં બે અલગ-અલગ અકસ્માતમાં બે નિર્દોષ લોકોના મોત થયા છે. જેમાં કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયરબ્રિગેડના ટેન્કરને અકસ્માત નડતાં 10 વર્ષના બાળકનું મોત થયું હતું, જ્યારે બીજી ઘટના મકરપુરા વિસ્તારમાં બની હતી. આ ઘટનામાં 6 વર્ષની બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. બંને બનાવના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રીજી હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું.
કારેલીબાગમાં ફાયર બ્રિગેડના ટેન્કર નીચે આવી જતાં 10 વર્ષના બાળકનું મોત થયું હતું
મળતી માહિતી મુજબ, વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકીમાંથી પાણી ભરી રહેલા ફાયર બ્રિગેડના ટેન્કર દ્વારા રસ્તા પર ઉભેલા શ્રમજીવી પરિવારના બાળકનું કચડાઈ જતાં મોત થયું હતું. મૂળ ખેડાના, દિલીપભાઈ રાયસંગભાઈ તલપડા તેમના પરિવાર સાથે હવે વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે ફૂટપાથ પર બેસી શેરડી વેચે છે અને ત્યાં પડાવ નાખે છે. આજે (19 જાન્યુઆરી) બપોરે અઢી વાગ્યાના અરસામાં તેનો 10 વર્ષનો પુત્ર દીપક ટાંકી પાસે રમી રહ્યો હતો. દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકીમાંથી પાણી ભરી રહેલા ફાયર બ્રિગેડના ટેન્કરના ચાલકે બેદરકારીપૂર્વક ટેન્કર પલટી મારતા ટેન્કરના પૈડા બાળકના માથા પર ફરી વળતા બાળકનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ ટેન્કર ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે કુંભારવાડા પોલીસે ગુનો નોંધ્યો છે. માર મારવાના ડરથી ઘટનાસ્થળેથી નાસી ગયેલો ટેન્કર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માણેજા વિસ્તારમાં અક્સમતમાં 7 વર્ષની બાળકીનું મોત થયું હતું
બીજો અકસ્માત માણેજા વિસ્તારમાં બન્યો હતો. જેમાં પિતા સાથે બાઇક પર જતી 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક ચાલક તેની પુત્રીને શાળાએથી લેવા જઇ રહ્યો હતો ત્યારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક કાર રોડ પરથી પસાર થઈ રહેલા બાઇકચાલક સાથે અથડાઈ હતી. જેના કારણે બાઇક પર સવાર પિતા-પુત્રી રોડ પર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જાતા નજીકમાં ઉભેલા રિક્ષાચાલક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાઇક ચાલક ચેતન ઘનશ્યામભાઇ સોલંકી (રહે. શીવબાનગર, માણેજા) અને તેની 6 વર્ષની પુત્રી જીઆનને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, ડોકટરે બાળકીનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ચેતનભાઈને ડાબી આંખના ભાગે ઈજા થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ચેતનભાઈ તેમની પુત્રીને શાળાએથી લેવા માટે ગયા હતા. બંને કારના ડ્રાઈવરને કડક સજાની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો. સમગ્ર મામલે માંજલપુર પોલીસે અકસ્માત સર્જનાર બંને ચાલકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના નારણપુરા નેશનલ સ્કૂલની બહાર 3 વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો, 9 વિદ્યાર્થીઓની અટકાયત
ગોત્રી તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું
શહેરના ગોત્રી તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં વાહન ચાલકે ચાલતી મહિલાને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ બાબતે ગોત્રી ગાયત્રીનગર સામે આવેલી ભૂમિ રેસીડેન્સીમાં રહેતા મૃતક મહિલાના પતિ રામાયણ પ્રજાપતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અમૃતા 18મી જાન્યુઆરીના રોજ રાત્રે 9 વાગ્યે ગોત્રી તળાવ ખાતે કામ અર્થે ગઈ હતી.તે ચાલી રહી હતી ત્યારે એક વાહન ચાલકે અમૃતાને ટક્કર મારતાં તેના ડાબા ખભા અને માથામાં ગંભીર ઈજાઓ થતાં અમત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પછી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ અમૃતાનું મૃત્યુ થયું. સમગ્ર મામલે ગોત્રી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
