કચ્છના ભચાઉ હાઈવે પર અકસ્માત: કચ્છના ભચાઉ હાઇવે પર રવિવારે (21 ડિસેમ્બર) રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેસરી ગઢ રિસોર્ટની સામે ચાર વાહનો એકબીજા સાથે અથડાતાં લાગેલી ભીષણ આગમાં એક વર્ષનો માસૂમ બાળક અને ટ્રેલર ચાલકે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ભુજ ખસેડાયા હતા.
અથડામણ બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી
મળતી વિગતો મુજબ રવિવારે રાત્રે કાર અને આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અથડામણ એટલી હિંસક હતી કે બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં બેઠેલા દંપતીને કંઈ ખબર પડે તે પહેલા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં તેમના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદઃ તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો; મોટા ખાડાના કારણે આ અકસ્માત સર્જાયો હતો
કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા બે ટ્રેલર પણ અકસ્માત સર્જનાર વાહનો સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર ફાયટરની ટીમ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ફાયરની ટીમે વોટર કેનનનો ઉપયોગ કરીને વાહનોમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા અને ઘાયલ દંપતીને તાત્કાલિક ભુજની જી.કે.માં લઈ જવાયા હતા અને જનરલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતના પગલે લાંબા સમય સુધી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડીને રસ્તો સાફ કરાવ્યો હતો.