અમદાવાદમાં ગેરકાયદેસર દારૂ અમદાવાદમાં દારૂબંધીના કડક અમલની વચ્ચે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ સરદારનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા દારૂના રેકેટનો પર્દાફાશ કરી વિદેશી દારૂ અને બિયરની કુલ 598 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ વધુ તેજ કરી હતી.
માહિતીના આધારે સમર્થ નગરમાં દરોડો પાડ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરમાં આંબાવાડી ચાર રસ્તા પાસે આવેલા સમર્થ નગરમાં એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવે છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને અમિત સુધવાણી નામના 28 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી ઘરમાં તલાશી લેતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે બ્લડી ગેમ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા મારીને હત્યા
1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની સીલબંધ બોટલો અને બીયરના ટીન મળી કુલ 598 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે 1,74,004 રૂપિયા છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન, ગુનાને લગતા બે સ્ક્રીનશોટ અને લાઈટ બિલ મળી કુલ રૂ.1,84,004નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર મામલે પોલીસે ઘરના માલિક લક્ષ્મીબેન રાઠોડ અને અન્ય એક અજાણ્યા મોબાઈલ ફોન ધરાવતા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલ આરોપી અમિત દારૂનો આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને આ નેટવર્કમાં ફરાર મહિલા આરોપીની શું ભૂમિકા છે તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.