![]()
વડોદરા, તા.26 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ગરમી વચ્ચે આજે યોજાયેલી ચૂંટણીમાં અત્યંત નીરસ સરેરાશ 52.56 ટકા મતદાન થયું હતું. EVM ગરબડ, આચારસંહિતાનું ઉલ્લંઘન, મતદાર યાદીમાં નામોની ગેરહાજરી જેવી કેટલીક ગંભીર ફરિયાદોને બાદ કરતાં, આજે મતદાન સુરક્ષા દળો વચ્ચે શાંતિપૂર્ણ રહ્યું હતું.
કોર્પોરેશનના કુલ 19 વોર્ડની 74 બેઠકો પર ઉભા રહેલા 258 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. મતદાન બાદ પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ ખસેડવામાં આવ્યા હતા, હવે 28મીએ મતગણતરી દરમિયાન ઉમેદવારોના ભાવિની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે સવારે સાત વાગ્યાથી કુલ 1131 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. રવિવાર હોવા છતાં સવારે ભારે ગરમીના કારણે મતદારો નિરાશ થયા હતા. શરૂઆતના પ્રથમ બે કલાકમાં માત્ર 7 ટકા મતદાન નોંધાયું હતું. જોકે બાદમાં ધીમે ધીમે મતદારો મતદાન માટે બહાર આવ્યા હતા. બપોરે 1 વાગ્યે મતદાનની ટકાવારી વધીને 30.60 ટકા થઈ હતી.
બપોર બાદ પણ મતદારો મતદાન માટે ઉત્સાહી જણાતા ન હતા અને બપોરે 3 વાગ્યા સુધી માંડ 39.41 ટકા મતદાન નોંધાયું હતું. બપોર બાદ રાજકીય પક્ષોના કાર્યકરો તેમજ ઉમેદવારો દ્વારા મતદાનની ટકાવારી વધારવાના પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં મતદાનની ટકાવારીમાં આંશિક વધારો થયો હતો અને સાંજે 5 વાગ્યા સુધી 42.82 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી અને સામાન્ય ફરિયાદો સિવાય કોઈ મોટી ફરિયાદ થઈ નથી.