![]()
સુરત મ્યુનિસિપલ સ્કૂલમાં હાલમાં બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં વ્યસ્ત રાખવા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. વિદ્યાર્થી દીઠ સરેરાશ રૂ. 50 હજારનો ખર્ચ હોવા છતાં શહેરમાં 13,500થી વધુ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા હોવાનું બહાર આવ્યું છે. આ આંકડો માત્ર સરકારી નોંધ નથી, પરંતુ હજારો બાળકો શિક્ષણથી વંચિત રહી જવાની ગંભીર ચેતવણી છે. આ પહેલા મુન. કમિશનર સહિતના અધિકારીઓએ અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓના ઘરે જઈને વાલીઓને સમજાવી થોડી સફળતા મેળવી હતી. હવે શિક્ષકો આ જવાબદારી નિભાવી રહ્યા છે પરંતુ બાળકોને શાળાએ પાછા લાવવા માટે સ્થળાંતર અને મજૂરી એ સૌથી મોટી અડચણ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2030 સુધીમાં 100 ટકા સાક્ષરતાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હવે વેકેશન પૂર્ણ થયા પછી પણ શાળાના વર્ગખંડમાં ન આવતા બાળકો માટે શિક્ષક ઘરે ઘરે જઈને અભ્યાસ કરી રહ્યા છે. સર્વે દરમિયાન સૌથી મોટી મુશ્કેલી સ્થળાંતર સામે આવી રહી છે. વેકેશન દરમિયાન વતન ગયેલા ઘણા પરપ્રાંતીય પરિવારો હજુ સુધી સુરત પરત ફર્યા નથી. કેટલાક પરિવારો રોજગાર માટે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે. ઘણા કિસ્સામાં વાલીઓએ આપેલા મોબાઈલ નંબર બ્લોક થઈ જતા હોય છે. પરિણામે, વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને શિક્ષકોને તેમના ઠેકાણા શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે, જે શાળા છોડી દેનારા વિદ્યાર્થીઓને શાળામાં પાછા લાવવાના પ્રયાસોમાં સ્થળાંતર એક મુખ્ય અવરોધ બનાવે છે.
સ્થળાંતર પછી આર્થિક કટોકટી એ સૌથી ગંભીર કારણ છે. ગરીબ અને શ્રમજીવી પરિવારો માટે દિવસમાં બે સમયનું ભોજન અને રોજિંદા ખર્ચાઓનું સંચાલન કરવું એ એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં બાળકોનું શિક્ષણ પાછળ ધકેલાઈ જાય છે અને પરિવારની આવક વધારવી વધુ જરૂરી બની જાય છે. પરિણામે ઘણા બાળકો નાની ઉંમરે જ મજૂરી કે અન્ય કામમાં લાગી જાય છે. કોઈ લારી પર મદદ કરે છે, કોઈ દુકાનમાં કામ કરે છે અને કોઈ નાના ધંધામાં જોડાય છે. શિક્ષકો માટે આવા બાળકોને શાળામાં પાછા લાવવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. શિક્ષકોનો આ પ્રયાસ ઘણી જગ્યાએ સફળ થતો જોવા મળી રહ્યો છે અને કેટલાક વાલીઓ-વિદ્યાર્થીઓ માને છે અને ફરીથી શાળામાં પ્રવેશી રહ્યા છે. પરંતુ બીજી તરફ, કેટલાક વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી કારણ કે તેઓ માને છે કે તેનાથી તેમને ઘરના કામમાં અથવા આજીવિકાના કામમાં મદદ મળશે.
કેટલાક પરિવારોમાં ઘરવિહોણા અને પારિવારિક વિખવાદ પણ બાળકોના શિક્ષણ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. જ્યારે માતાપિતા છૂટાછેડા લે છે અથવા અલગ રહે છે ત્યારે બાળકોના શિક્ષણને સૌથી પહેલા અસર થાય છે. ઘણી વખત બાળકો માતા કે પિતા સાથે બીજી જગ્યાએ જાય છે પરંતુ નવી શાળામાં પ્રવેશ લેતા નથી. પરિણામે, બાળક ધીમે ધીમે શિક્ષણ પ્રણાલીમાંથી બહાર નીકળી જાય છે.
સુરત જેવા વિકસિત અને ઔદ્યોગિક શહેરમાં હજારો બાળકો શાળાને બદલે નોકરીના સ્થળે જોવા મળે છે અને હજારો વિદ્યાર્થીઓ સ્થળાંતરના કારણે શિક્ષણ વ્યવસ્થામાંથી ગાયબ થઈ રહ્યા છે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં જો બાળકો વર્ગખંડ સુધી પહોંચી શકતા નથી તો તે માત્ર શિક્ષણ તંત્ર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે.
