![]()
વડોદરા: MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓના વિરોધને પગલે BCA (બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) કોર્સમાં 240 બેઠકો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
સત્તાવાળાઓએ અગાઉ નવા શૈક્ષણિક વર્ષથી બેઠકો ઘટાડીને 120 કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, વિદ્યાર્થીઓમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યો હતો. તે પછી, સત્તાવાળાઓએ માત્ર 240 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.
જો કે તેની સામે માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે. ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે ચાર કોમ્પ્યુટર લેબોરેટરી છે, પરંતુ હવે બીસીએનો કોર્સ ત્રણને બદલે ચાર વર્ષનો થઈ ગયો છે. ઉપરાંત, 240 વિદ્યાર્થીઓ માટે ચાર પ્રયોગશાળાઓ પર્યાપ્ત નથી, તેથી આગામી બે મહિનામાં દરેક 80 કમ્પ્યુટર્સ સાથે બે નવી પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે આ લેબોરેટરીનો ખર્ચ અંદાજે એક કરોડ રૂપિયા છે. અમે યુનિવર્સિટી સત્તાવાળાઓને વહેલી તકે લેબોરેટરી માટે કોમ્પ્યુટર ખરીદવા સહિતની બીજી મંજૂરી આપવા વિનંતી કરી છે. આ વખતે પણ અત્યાર સુધીમાં 700 જેટલા ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવાને હજુ એક સપ્તાહ બાકી છે ત્યારે 240 બેઠકો ભરવામાં કોઈ મુશ્કેલી નથી.
