અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે નવી સિદ્ધિ હાંસલ કરી છે. સરદાર પટેલ એરપોર્ટને હવે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) લેવલ 3 માન્યતામાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં બહુવિધ ASQ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.
અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઓક્ટોબર 2022 માં લેવલ 2 થી લેવલ 3 માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને આ સન્માન મળ્યું છે. એરપોર્ટ ગ્રાહક અનુભવ માન્યતા એ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા ગ્રાહક અનુભવ સંચાલનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે વિકસાવવામાં આવેલ બહુ-સ્તરીય માન્યતા કાર્યક્રમ છે. એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, માપન, ગ્રાહક વ્યૂહરચના જેવા પરિમાણોને આધારે લેવલ 3 સ્ટેટસ આપવામાં આવે છે.
સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, SVPI એરપોર્ટે મુસાફરોના અનુભવને સુધારવા અને મુસાફરીને સરળ બનાવવા માટે ઘણી પહેલો અમલમાં મૂકી છે. તેમાં રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યા બમણી કરવી, મેડ ઈન ઈન્ડિયા રોબોટ્સનો ઉપયોગ, ડિજી યાત્રા, સેલ્ફ બેગેજ ડ્રોપ, ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. એરપોર્ટની ટીમ મુસાફરોને વધુ સારી અને સારી સેવા આપવા પ્રયત્નશીલ છે. અવલોકનો અને મુસાફરોની જરૂરિયાતોને આધારે વર્ષોથી એરપોર્ટ પર સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. પેસેન્જર ફીડબેકના આધારે સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ સાથે ફોરકોર્ટ મીટ અને ગ્રીટ વિસ્તારમાં પિક અપ અને ડ્રોપ લેન વિકસાવવામાં આવી છે. SVPI એરપોર્ટ સુધારણા, વિકાસ અને બહેતર ગ્રાહક અનુભવની યાત્રા ચાલુ રાખવા માટે કામ કરી રહી છે.