![]()
સુમુલ ડેરી દૂધના ભાવમાં વધારો: મોંઘવારીના આ સમયમાં સામાન્ય લોકોના ખિસ્સા પર વધુ એક બોજ પડશે. અમૂલ ડેરી દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સુમુલ ડેરી દ્વારા ભાવ વધારો 19 મે મંગળવારથી લાગુ થશે.
સુમુલ ડેરીએ લીટર દીઠ રૂ.2નો વધારો કર્યો
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી સુરત સ્થિત સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. પરિવહન ખર્ચ, દૂધ પેકેજિંગ ફિલ્મ, વિવિધ ઇનપુટ ખર્ચ અને ઇંધણ (ડીઝલ)ના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે. આ તમામ પરિબળોએ ભાવમાં વધારો કરવાની ફરજ પાડી છે કારણ કે દૂધના પ્રોસેસિંગ અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો: અમૂલ દૂધ પિતા હૈ ઈન્ડિયા: રૂ.2નો ભારે વધારો
અગાઉ અમૂલ ડેરીએ ભાવ વધાર્યા હતા
સુમુલ ડેરીના આ નિર્ણય પહેલા, ગત 13 મેના રોજ પણ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના નેજા હેઠળ કાર્યરત અમૂલ ડેરીએ પણ તેના દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનો અમલ 14 મે, 2026થી કરવામાં આવ્યો છે.
અમૂલ ડેરીએ વિવિધ પ્રકારના દૂધના ભાવમાં લીટર દીઠ રૂ. 1 થી 4નો વધારો કર્યો છે. જેમાં ટી સ્પેશિયલ દૂધની એક લીટર થેલીમાં 3 રૂપિયા અને ભેંસના દૂધની 500 મીલીની થેલીમાં બે રૂપિયા (એટલે કે ચાર રૂપિયા પ્રતિ લીટર)નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અમૂલના ભેંસના દૂધની કિંમત વધીને 78 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે
એક સપ્તાહની અંદર ગુજરાતની બે મોટી સહકારી ડેરીઓ અમૂલ અને સુમુલ દૂધના ભાવમાં વધારો કરશે જેના કારણે સામાન્ય પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ જશે. રોજીંદી વપરાશની વસ્તુ ગણાતા દૂધના ભાવમાં વધારાને કારણે હવે તેની અસર અન્ય ડેરી ઉત્પાદનો અને ચા-કોફીના ભાવ પર જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પરથી 45 કરોડની કિંમતનું 9.30 કિલો હેરોઈન જપ્ત, 1 આરોપીની ધરપકડ
