Home Gujarat લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું...

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ .

0

રાજ્યમાં સમાવિષ્ટ ૨૬ લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને ૫ વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની ૫ બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ રહી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાવિષ્ટ ૨૬ લોકસભા મતવિભાગો, તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ ૫ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમુના નં-૦૧ માં ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી આગામી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે. તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. 

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. 

રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઇવીએમ મશીનોની ફાળવણી જિલ્લા કક્ષાએથી એસેમ્બ્લી સેગ્મેન્ટ (AS) કક્ષાએ કરવામાં આવી છે.

હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ અંગે ચૂંટણી પંચની સૂચના અનુસાર ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધાની જગ્યાએ તેઓને તાલીમના સ્થળે જ મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે પોલીસ કર્મચારીઓ, ડ્રાયવર્સ, કન્ડક્ટર્સ સહિત ચૂંટણી ફરજ પરના આશરે ૪ લાખથી વધુ કર્મચારીઓને ટપાલ મત પત્ર માટેના ફોર્મ-૧૨ આપવાની કામગીરી ચાલી રહી છે.

મતદારયાદીમાં નોંધાયેલા ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા કુલ ૪.૧૯ લાખ કરતાં વધુ વરિષ્ઠ મતદારો તથા ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૩.૭૫ લાખ કરતાં વધુ દિવ્યાંગ મતદારો, જો તેઓ ઈચ્છે તો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે તેઓને નિયત ફોર્મ-૧૨D વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ, પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી, પોસ્ટલ બેલેટથી મતદાનની પદ્ધતિની સમજણ આપવામાં આવી છે. તેઓને આ માટેના નિયત ફોર્મ-૧૨D પહોંચાડવાની કામગીરી હાલ ચાલુ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version