પરીક્ષા ચાલી રહી હોવાના ખોટા મેસેજ ફરતા થતાં વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ઉમટી પડ્યા હતા


વડોદરાઃ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્ર મુજબ આજે વડોદરાની તમામ શાળા-કોલેજો બંધ રહી હતી. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. તે અંગેનો મેસેજ ફેકલ્ટી દ્વારા સત્તાધીશોને મોકલવામાં આવ્યો હતો પરંતુ કોમર્સમાં આજે પરીક્ષા ચાલી રહી હોવાનો ખોટો મેસેજ ફરતો થતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા અને સેંકડો વિદ્યાર્થીઓ પણ આ ખોટા મેસેજના આધારે આજે પરીક્ષા આપવા આવ્યા હતા.

કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતાનું કહેવું છે કે હાલમાં ફેકલ્ટીમાં ટીવાય બીકોમ સેમેસ્ટર-5 અને એમકોમ ફાઇનલ સેમેસ્ટર-3ની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે. બંનેમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જો કે, રવિવારે ભારે વરસાદને કારણે, ફેકલ્ટી તરફથી રવિવારે રાત્રે 11 વાગ્યે તમામ વિદ્યાર્થીઓને સંદેશ મોકલવામાં આવ્યો હતો કે સોમવારની પરીક્ષા 3જી ઓક્ટોબરને ગુરુવારે મોકૂફ રાખવામાં આવશે.

દરમિયાન, પ્રાઈવેટ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓનું એક વોટ્સએપ ગ્રુપ ‘મોક્ષ એજ્યુકેશન ગ્રુપ’ નામથી ચાલી રહ્યું છે, જેમાં સવારે 2 વાગ્યા પછી મેસેજ ફરતો થયો કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી નથી પરંતુ પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા સોમવારે લેવામાં આવશે, જેનો સમય બદલીને સવારે 8.30 થી 10.15 કરવામાં આવ્યો છે. આજે 200 થી 300 વિદ્યાર્થીઓ આ ખોટા મેસેજને સાચા માનીને પરીક્ષા આપવા પહોંચ્યા હતા. અમે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશોને ફરિયાદ કરી છે અને ખોટો સંદેશ ફેલાવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version