![]()
સુરત કોર્પોરેશન: રાજ્ય સરકાર દ્વારા પખવાડિયા પહેલા ઉચ્ચ અધિકારીઓની બદલીમાં સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ડેપ્યુટેશન પર મુકાયેલા અધિકારીની બદલી કરવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે સરકારે બીજી બદલીનો આદેશ કર્યો છે. રાજ્ય સરકારમાંથી પાલિકામાં ડેપ્યુટેશન પર આવેલા વધુ એક અધિકારીની બદલી કરવામાં આવી છે. પંદર દિવસમાં બે ડેપ્યુટી કમિશનરની બદલી થઈ છે અને તેમની જગ્યાએ કોઈ નવી નિમણૂક કરવામાં આવી નથી, અધિકારીઓની અછત વચ્ચે સુરત પાલિકાના ઉચ્ચ અધિકારી પર કામનું ભારણ વધશે તે નક્કી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓની બદલીઓની શ્રેણી શરૂ કરી છે. તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકામાં રાજ્ય સરકારમાંથી પ્રતિનિયુક્તિ પર કામ કરતા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવની પંદર દિવસ પહેલા બદલી કરવામાં આવી હતી. ગુરવ પાસે એક ઝોન ઉપરાંત 10 જેટલા મહત્વના વિભાગોની જવાબદારી હતી. તેમની બદલી બાદ આ વિભાગોના કામનું ભારણ અન્ય અધિકારીઓમાં વહેંચવામાં આવ્યું છે, જેના કારણે અધિકારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે.
પ્રક્રિયા પણ પતાવવામાં આવે તે પહેલા જ રાજ્ય સરકારે મોડી રાત્રે અન્ય ટ્રાન્સફર ઓર્ડરની જાહેરાત કરી હતી, જેમાં ડેપ્યુટી કમિશનર રાજેશ ભોગાયતાની પણ બદલી કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, બંને અધિકારીઓની બદલી થઈ હોવા છતાં તેમની જગ્યાએ કોઈ નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી.
નગરપાલિકામાં પહેલાથી જ ડેપ્યુટી કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની અછત છે અને કેટલાક ઉચ્ચ અધિકારીઓની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેમાંથી કેટલાક ઓછી લાયકાત હોવા છતાં પ્રકરણની જોગવાઈઓને કારણે ઉચ્ચ અધિકારી બન્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ફરિયાદ વચ્ચે સતત બે ડેપ્યુટી કમિશનરની વિદાયથી વર્તમાન અધિકારીઓ પર વધારાની જવાબદારીઓનો બોજ પડશે. પરિણામે વિવિધ વિભાગોની કામગીરી, ફાઈલોના નિકાલની ઝડપ અને નીતિ વિષયક નિર્ણયોને પણ અસર થવાની શક્યતા છે.
વહીવટી વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવી જગ્યાઓ પર નિમણૂક નહીં કરે તો પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ એક સાથે અનેક વિભાગોનો ચાર્જ સંભાળવો પડશે. જેના કારણે વિકાસલક્ષી તેમજ રોજીંદી વહીવટી કામગીરીમાં વિલંબ થવાની શકયતા નકારી શકાતી નથી. પંદર દિવસના ટુંકાગાળામાં બે ડેપ્યુટી કમિશનરની બદલી થતાં હવે પાલિકાના વહીવટમાં સર્જાયેલી ખાલી જગ્યા કેવી રીતે ભરાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.