![]()
સુરતમાં પોલીસ એન્કાઉન્ટરઃ સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય ગણાતા બેશરમ ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલી લસ્સીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરતાં તે ઘાયલ થયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સલમાન લસ્સી વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને હુમલા સહિતના 15 ગંભીર ગુના નોંધાયેલા છે અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો. ભેસ્તાન ભીંડી બજાર ખાતે શકીલ નામના યુવકની હત્યા કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.
નવસારીના ડાભેલ ગામના આશિયા મહોલ્લામાં સલમાન લસ્સી છુપાયો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે, લગભગ 25 ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમોએ આજે (6 નવેમ્બર) સવારે 3 વાગ્યે ડાભેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસની એક ટીમે સલમાન લસ્સીના ઠેકાણાને ઘેરી લીધું હતું. જ્યારે ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે સલમાન લસ્સીએ ધરપકડથી બચવા માટે પીઆઈ સોઢા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ અચાનક થયેલા હુમલાના જવાબમાં પીઆઈ સોઢાએ સ્વબચાવમાં તુરંત ફાયરિંગ કર્યું હતું.
આ ફાયરિંગમાં ગોળી સલમાન લસ્સીના પગના હાડકામાં વાગી ગઈ હતી, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું છે. ઘાયલ સલમાન લસ્સીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
