![]()
સુરત કોર્પોરેશન ફાયર સેફ્ટી : દિલ્હીમાં ભીષણ આગની ઘટનામાં 21 લોકોના મોત બાદ સુરત મહાનગર પાલિકા અને ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની તાકીદે તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી જેવી મોટી દુર્ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોની અવર જવર ધરાવતી હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની બેદરકારી અટકાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.
નગરપાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ ઝોનને સમગ્ર શહેર વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ફાયર સેફ્ટીની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ હેઠળ શેડ્યૂલ-3 હેઠળ આવતી હોટલ અને રેસ્ટોરન્ટ્સની વિગતવાર તપાસ કરવામાં આવશે.
તપાસ દરમિયાન જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટે ફાયર વિભાગ પાસેથી ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું ન હોય, ફાયર ફાઈટીંગ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરી ન હોય, ઈન્સ્ટોલ સિસ્ટમ કાર્યરત હાલતમાં ન હોય અથવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સમયસર રિન્યુ ન કરાવ્યું હોય તો આવા તમામ એકમો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિસિપલ વહીવટીતંત્રે સ્પષ્ટપણે જણાવ્યું છે કે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવશે નહીં. નિયમોના ભંગની ગંભીરતાને આધારે નોટિસ આપવા ઉપરાંત જરૂર જણાયે એકમોને સીલ કરવા માટે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આગ જેવી દુર્ઘટનામાં સેકન્ડોની બેદરકારી અનેક પરિવારો માટે જીવનભરની પીડાનું કારણ બની શકે છે ત્યારે તંત્રએ એવો સંદેશ આપ્યો છે કે ફાયર સેફ્ટી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
આ કામગીરી તાકીદે પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. દરેક ઝોન દ્વારા કરવામાં આવેલી તપાસ, નોટિસ અને કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ ઉચ્ચ કચેરીને સુપરત કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને દિલ્હી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે ફાયર સેફ્ટીના મુદ્દે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.