સુરત સમાચાર: સુરતનો રાંદેર વિસ્તાર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાંદેરના ગોરાટ વિસ્તારમાં સ્થાનિકોએ રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. હનુમાન જન્મોત્સવની ઉજવણી દરમિયાન મંદિરની આજુબાજુની સોસાયટીઓમાં લગાવવામાં આવેલા બેનરોથી આગેવાનોની ટેન્શન વધી ગઈ છે.
શું છે સમગ્ર વિવાદ?
રાંદેર ઝોનનો ગોરાટ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. સ્થાનિકો અને મંદિરના પૂજારીનો આરોપ છે કે ગોરાટ હનુમાન મંદિરની દિવાલને અડીને બિન-આસ્તિકો માટે બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. અશાંત ધારાનું સદંતર ઉલ્લંઘન કરીને આ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવા છતાં કોઈ રાજકીય આગેવાન સ્થાનિકો સામે આવ્યા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નેતાઓની મિલીભગતના કારણે જ મંદિરની સુરક્ષા જોખમાઈ રહી છે.
બેનરોમાં શું લખ્યું છે?
સોસાયટીઓના ગેટ પર લાગેલા બેનરો પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, “જે નેતાઓ ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેઓ જ મત માંગવા આવે. એક બાબરી પડી અને બીજી ગોરાટમાં, જવાબદાર કોણ?” સ્થાનિકોનું કહેવું છે કે અમારે કોઈ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી, જે અમારા મંદિર અને વિસ્તારની રક્ષા કરશે તે જ અમારો નેતા હશે. અત્યાર સુધી નેતાઓએ અમારી વાત સાંભળી નથી, હવે ચૂંટણી સમયે તેમને જવાબ આપીશું.
આ પણ વાંચોઃ અચ્છે દિન! ચા, રાંધણગેસ, કરિયાણા અને દવાથી લઈને ટોલટેક્સ બધું મોંઘું થયું, લોકોનું બજેટ ખોરવાઈ ગયું.
ભાજપની મુશ્કેલી કેમ વધી?
હિન્દુત્વ અને મંદિરની સુરક્ષાના મુદ્દે ભાજપ હંમેશા મજબુત રહી છે, પરંતુ અહીં માત્ર મંદિર બચાવવા માટે ભાજપના શાસન સામે સવાલો ઉભા થયા છે. અશાંત ધારાના કડક અમલની વાતો વચ્ચે આ પ્રકારનું બાંધકામ શાસક પક્ષની કામગીરી સામે આંગળી ચીંધે છે. નગરપાલિકાની ચૂંટણી જાહેર થાય ત્યારે આવો હોબાળો મતબેંકમાં ગાબડું પાડી શકે છે.
નેતાઓ સામે આક્રોશ
મંદિરના પૂજારીઓ અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે હનુમાન જયંતિના દિવસે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા, ત્યારે આ બેનરોએ સમગ્ર સુરતમાં ચકચાર મચાવી હતી. આ વિસ્તારના લોકોનો આવો મિજાજ આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ભારે પડી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ ઉકેલવા માટે કોઈ નેતા આગળ આવશે કે પછી ચૂંટણીમાં જનતાનો આક્રોશ જોવા મળશે.