ગુજરાતમાં દુ:ખદ શનિવાર: ગોઝારો શનિવારે (2 મે, 2026), જૂનાગઢના માંગરોળ, છોટાઉદેપુર, કચ્છ, વડોદરાના પાદરા અને અમરેલીના જેસીંગપરામાં 5 માર્ગ અકસ્માતો અને રાજકોટના આજી ડેમમાં ડૂબી જવાની 1 કરુણ ઘટના બની હતી. આ તમામ દુર્ઘટનાઓમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. નીલગાય આડી પડવા, ઓછી વિઝિબિલિટી અને વાહનોની ટક્કર જેવા કારણોસર સર્જાયેલી આ ઘટનાઓએ રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
માંગરોળમાં રોઝડુ (નીલગાય) બસ પલટી, 2 શ્રદ્ધાળુઓના મોત
જૂનાગઢના માંગરોલ તાલુકાના રાયજ ગામ પાસે ભાવનગરથી દ્વારકાથી સોમનાથ જતા શ્રદ્ધાળુઓની ખાનગી બસ પલટી મારી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ખાનગી બસમાં ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. સોમનાથ મહાદેવના દર્શન કરીને દેવભૂમિ થઈને નીકળ્યા હતા અને રાયજ ગામમાં પહોંચ્યા ત્યારે રસ્તાની વચ્ચે એક નદી (નીલગાય) આવી. જેથી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જેમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.

છોટાઉદેપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઈ હાઈવે પર પીઠા ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના જામલા ગામે રહેતો 28 વર્ષીય નયેશ કંદુભાઈ રાઠવા તેની બાઇક સાથે ગેસનો બાટલો બાંધી પ્લમ્બીંગ કામ માટે વડોદરા જઈ રહ્યો હતો. દરમિયાન પીઠા ગામ પાસે એક કાલામુખા વાહને તેને ટક્કર મારી હતી. જેમાં નયેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કચ્છમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના 2ના મોત, 7 ઘાયલ
કચ્છના નાના રણ વિસ્તારમાં વેણુ બેટ પાસે ઉડતી ધૂળ અને ઓછી વિઝિબિલિટીના કારણે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય સાત સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સુરત ગ્રામ્ય એસઓજીના હેડ કોન્સ્ટેબલનું કાર અકસ્માતમાં મોત
વડોદરાના પાદરા પાસે એક્સપ્રેસ વે પર સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય એસઓજીના હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. મળતી માહિતી મુજબ પાદરા પાસે એક્સપ્રેસ વે પર એક કાર એસ.ટી. (ST) બસના પાછળના ભાગે અથડાઈ હતી. ટક્કર એટલી હિંસક હતી કે કારમાં બેઠેલા હેડ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આજી ડેમમાં ડૂબી જવાથી 3ના મોત
રાજકોટના આજી ડેમમાં ચાર લોકો ડૂબી ગયા. ડેમના કિનારે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા એક વ્યક્તિ કોઈ કારણસર ડેમમાં ડૂબી ગયો હતો. દરમિયાન તેને બચાવવા જતાં અન્ય ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા નામના ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અમરેલીના જેસીંગપરામાં ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત, 1નું મોત, 1 ઘાયલ
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં થેબી નદીના પુલ પર વહેલી સવારે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર નાનુભાઇ ચોવટીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકની પત્ની મંજુબહેનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


