ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ પરિણામો બાદ આચારસંહિતા પણ પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ કમિટિ સહિતની વિવિધ કમિટીની ટર્મ પૂર્ણ થયા બાદ હવે મેયર સહિતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવા કવાયત ચાલી રહી છે. ત્યારે પાલિકાના ભાજપના કોર્પોરેટરોએ મહત્વના હોદ્દા મેળવવા લોબિંગ શરૂ કર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા મહિલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક માટે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે, આ સાથે ચૂંટાયેલા કોર્પોરેટરોમાં પદ મેળવવા માટે રીતસરની આંતરિક ખેંચતાણ અને લોબિંગ શરૂ થઈ ગયું છે. જિલ્લાની કમલમ કચેરીનું નિરિક્ષણ કરવા આવેલા નિરીક્ષકો સમક્ષ વર્ષોથી પક્ષને વફાદાર રહેતા જૂના કાર્યકરોને હોદ્દા આપવામાં આવતા અન્યાય સામે પણ કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણના કારણે પક્ષે નવા હોદ્દેદારોના નામોની પસંદગીમાં ખૂબ કાળજી રાખવી પડી રહી છે. બીજી તરફ ગાંધીનગરમાં મહિલા મેયર સહિત ત્રણ હોદ્દેદારોની પસંદગીનો નિર્ણય દિલ્હીથી લેવાશે. એવું કહેવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સંગઠનના નેતાઓ દિલ્હી ગયા છે. શપથ ગ્રહણ સમારોહ બાદ ગાંધીનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિમણૂક મામલે પ્રદેશના આગેવાનો પણ અમિત શાહનું માર્ગદર્શન લેશે. પક્ષની સિસ્ટમ મુજબ સોમવારે મળનારી સામાન્ય સભામાં કોઈને જાણ કર્યા વગર જનાદેશ આપવામાં આવશે. ગાંધીનગરમાં વર્તમાન બોડીની અઢી વર્ષની બીજી ટર્મ માટે મહિલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂક માટે આવતીકાલે તા.10 જૂનને સોમવારે સામાન્ય સભા મળશે. ભાજપના 41 કોર્પોરેટરો ચૂંટાયા છે જ્યારે કોંગ્રેસના 2 કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા છે. બીજી તરફ પક્ષ દ્વારા પદાધિકારીઓની નિમણૂક માટે નક્કી કરાયેલી વ્યવસ્થાને અનુસરવાના ભાગરૂપે કાર્યકરો, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવા માટે પક્ષ દ્વારા નિરીક્ષકોને ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેમાં મહિલા કોર્પોરેટરોએ પોતાના પ્રશ્નો રજૂ કરી મેયર પદ માટે ચૂંટણી લડી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી અને ડેપ્યુટી મેયર પદ માટે પણ નિરીક્ષકોને રજૂઆતો મળી હતી. પદાધિકારીઓની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થતાં કોર્પોરેટરોમાં ઉત્તેજના વધી રહી છે.