![]()
| ફાઈલ ફોટો |
ખારાઘોડા રણ: કચ્છના નાના રણમાં સરકારી માલિકીની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપનીએ ખાનગી કંપનીને 5000 એકર જમીન ભાડે આપી દેતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગરિયાઓએ રણમાં જઈને પ્રાઈવેટ કંપનીની કામગીરી અટકાવી વિરોધ કર્યો હતો અને જો કંપનીને આપેલી મંજુરી રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
જમીન ખાનગી કંપનીને લીઝ પર આપવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે
દસાડા તાલુકાના ખારાઘોડા રણમાં વર્ષોથી મીઠું પકવતા ખેડૂતોની રોજી રોટી જોખમાઈ છે. સરકારી માલિકીની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપનીએ દેગામના રણમાં અંદાજે 5000 એકર જમીન ખાનગી કંપનીને ભાડે આપી દેતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ જમીન ફાળવણીના કારણે મીઠું તૈયાર કરતા અગરિયા પરિવારોની આજીવિકા છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
કંપનીએ ચારે બાજુ મોટા પાળા બાંધવાનું શરૂ કર્યું
ખારાઘોડાના રણમાં ઘણા અગરિયાઓ વર્ષોથી મીઠું પકવે છે અને અહીંથી ઉત્પાદિત મીઠું ગુજરાત સહિત ભારત અને વિદેશમાં મોકલવામાં આવે છે. અહીં રહેતા પરિવારો માટે આજીવિકાનું એકમાત્ર સાધન મીઠું છે, જેમાં તેઓ વર્ષના આઠ મહિના રણમાં પરિશ્રમ કરે છે અને ચોમાસામાં બહાર આવે છે. અંદાજે 400+ અગરિયા પરિવારોનો મુખ્ય માર્ગ અને કુદરતી પાણીનો પ્રવાહ અવરોધિત થઈ ગયો છે અને તેની સીધી અસર તેમના રોજગાર પર પડી છે કારણ કે કંપનીએ હાલમાં ખાનગી કંપનીને ફાળવેલ જમીન પર મોટા પાળા બાંધવાનું શરૂ કર્યું છે.
ખેડૂતોના રોજિંદા જીવન પર અસર થવાની ભીતિ
આ મામલે અગરિયા મંડળના અધ્યક્ષે જણાવ્યું હતું કે, એક તરફ હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ રણમાં ગરીબ બાળકો માટે આંગણવાડી કે પુસ્તકાલય બનાવવા માટે જગ્યા નથી આપી રહી અને હજારો એકર જમીન ખાનગી કંપનીને આપવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. ખાનગી કંપનીને જમીન ફાળવવાના વિરોધમાં મોટી સંખ્યામાં અગરિયાઓ સૌપ્રથમ ખારાઘોડા શાળા પાડંગણ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી કંપનીની કામગીરી અટકાવવા રણમાં પહોંચ્યા હતા.