– જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ
– વૃધ્ધાને સારવાર માટે બોરસદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો
આણંદ: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખાનપુર-ચુવા રોડ પર શનિવારે સવારે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર બે વ્યક્તિઓ જઇ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક ગાયને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 65 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
21 માર્ચ 2026 શનિવારના રોજ સવારે 10:30 કલાકે વિરસદના સરદાર આવાસમાં રહેતા કનુભાઈ પરસોતમભાઈ કાછીયા પટેલ (ઉંમર 65) તેમના પાડોશમાં રહેતા રેપેશભાઈ ચંદુભાઈ પરમાર સાથે બાઇક પર બોરસદ જવા નીકળ્યા હતા. ખાનપુર-ચુવા રોડ પર આવેલી કેનાલ પાસે જતા સમયે અચાનક એક ગાય રોડ પર આવી ગઈ હતી.
ગાય સાથે બાઇક અથડાતા બંને સવારો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પાછળ બેઠેલા કનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત બોરસદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા અશ્વિનભાઈ ગીરીશભાઈ કાછીયા પટેલે વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાઇક ચાલક રેપેશભાઇ ચંદુભાઇ પરમાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.