![]()
અમદાવાદ,શુક્રવાર, મે 22, 2026
અમદાવાદના એસજીહાઈવે પર મકરબા પાસે સોલિટેર બિઝનેસ પાર્કના ચોથા માળે આવેલી ઓફિસમાં શુક્રવારે બપોરે 2.50 વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. ચોથા માળે લાગેલી આગ ઝડપથી છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા ઉપરના માળે દોડી આવ્યા હતા. બિલ્ડિંગની બહારનો કાચ તૂટીને નીચે પડ્યો હતો. આગની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. લગભગ 80 લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. એક બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. ફાયર વિભાગ આગ પાછળનું ચોક્કસ કારણ જણાવી શક્યું નથી. નથી
શુક્રવારે બપોરે આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ સમયસર પહોંચ્યા ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા મુજબ., કોલ મળ્યાની આઠ મિનિટમાં ફાયર વિભાગની પ્રથમ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.,વોટર બોઝર, બૂમ બાઉઝર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એમ્બ્યુલન્સ સહિત 24 વાહનોની મદદથી ચીફ ફાયર ઓફિસર સહિત સોથી વધુ અધિકારીઓ અને ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ્ડિંગની ફાયર સિસ્ટમ કાર્યરત હાલતમાં હતી, જેની મદદથી આગ બુઝાવવામાં આવી હતી. આગની આ ઘટનામાં એક વાત સામે આવી છે અને તે છે બિલ્ડીંગની બહાર લગાવેલા કાચ. શહેરની ઘણી ઇમારતોમાં આ પ્રકારના કાચ લગાવેલા જોવા મળે છે. ફાયર સૂત્રોનું કહેવું છે કે આગની ઘટના વખતે તે ખૂબ જ જોખમી છે.
જીવરાજ પાર્ક પાસે આવેલ સહજાનંદ ટાવરના બંધ મકાનમાં આગ
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા સહજાનંદ ટાવરના બીજા માળે આવેલા એક બંધ મકાનમાં શુક્રવારે સવારે 9.15 કલાકે આગ લાગી હતી. આગના કારણે ફ્લેટમાં રાખેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. સદનસીબે, કોઈ ઈજા કે મૃત્યુ થયું ન હતું. મહત્વની વાત એ છે કે,આ ટાવરમાં ફાયર વાહનો સરળતાથી જઈ શકે તેટલી જગ્યા ન હતી. ફાયર સ્ટાફે બંધ ફ્લેટનો દરવાજો તોડી આગ બુઝાવી હતી.
