
ગુજરાતમાં કરોડરજ્જુના રોગોના ભારણને પહોંચી વળવા અને આગામી વૈશ્વિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિસિટી અંદાજે રૂ. 295 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
આ પ્રોજેકટના આયોજન-પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો.પીયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને પીઆઇયુના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક અંગે વધુ વિગતો આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત 2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના રમતવીરો માટે રાજ્યમાં જ વિશ્વસ્તરીય તબીબી અને પુનર્વસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ સંસ્થા વરદાન સાબિત થશે. સમગ્ર યોજનાની રૂપરેખા આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર સારવાર આપવાનો જ નથી પરંતુ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરનું વૈશ્વિક હબ બનાવવાનો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કરોડરજ્જુની સર્જરીમાં ચેપનો એક પણ કેસ નોંધાયો નથી તે બદલ આરોગ્ય મંત્રીએ ડોકટરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુપર-સ્પેશિયાલિસ્ટ માનવબળ તૈયાર કરવા માટે આ સંકુલમાં અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કોલેજોની સ્થાપના કરવામાં આવશે અને સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરના સંશોધન માટે પણ વિશેષ વ્યવસ્થા વિકસાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં દેશ-વિદેશના નિષ્ણાતો તેમની સેવાઓ અને જ્ઞાન અહીં મેળવી શકે.
અંબાલાલ પટેલની તાજેતરની આગાહી, આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની તોફાની એન્ટ્રી થશે
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત સંકુલ કરોડના રોગોના સચોટ નિદાન, સારવાર અને પુનર્વસન તેમજ રમતગમતને લગતી ઇજાઓ માટે તમામ આધુનિક સુવિધાઓ એક જ જગ્યાએ પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે અત્યાધુનિક સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્લેક્સ સ્પાઇન સર્જરી, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર, વર્લ્ડ ક્લાસ રિહેબિલિટેશન સેન્ટર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ બેઠકમાં મંત્રીએ PIU અને વિભાગના અધિકારીઓને પ્રોજેકટની સમય મર્યાદા નક્કી કરવા, ગુણવત્તાયુક્ત અને ઝડપી કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
