કમોસમી વરસાદ ગુજરાતમાં: ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કચ્છ, અમરેલી, અરવલ્લી, મહિસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં મંગળવારે (5 મે)ના રોજ ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. ભુજ-અંજારમાં ભર ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદમાં પવન સાથે વરસાદ
સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે. દરમિયાન રાત્રે 10 વાગ્યાની આસપાસ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં અમદાવાદમાં મીની વાવાઝોડાની સ્થિતિ છે, એસજી હાઈવે, મકરબા સહિતના અનેક વિસ્તારોમાં સુસવાટા સાથે પવન અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ
મોડી સાંજે હવામાનમાં અચાનક પલટો આવતા કચ્છના ભુજ-અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં હીરાપર, મોડસર, મોઢાણા સહિતના ગામોને અસર પહોંચી છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ.

બીજી તરફ ભચાઉના કડોલમાં પણ મેદાન મારી ગયું છે. જેમાં કડોલ, માય, લાખાવત સહિતના ગામોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થયો છે. ભર ઉનાળો આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
અમરેલીમાં વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. જેમાં ખાંભા ગીર પંથક અને અમરેલીના ધારી ગીર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. જેમાં ખાંભા ગીરના ખડાધાર, નાનુડી, પીપળવા, ચતુરી ગામો અને ધારી શહેર – કેટલાક ગામોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકશાન થવાની ભીતિ છે.

આ પણ વાંચો: માવઠાનો ધબકાર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં વ્યાપક ઠંડક
ઉત્તર ગુજરાતમાં માવઠા
અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં આજે 5 મેના રોજ ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.જેમાં મહીસાગરના કડાણા તાલુકા અને ખાનપુર પંથકના સરહદી ગામોના ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યારે ગોધર ઉત્તર, જોગણ, સરસાવા સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ દાહોદ જિલ્લામાં પણ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. IMD અનુસાર, 13 થી વધુ જિલ્લાઓને ભારે પવન સાથે હળવા કમોસમી વરસાદ માટે એલર્ટ કરવામાં આવ્યા છે.


