અમદાવાદઃ રાજકોટ આગ બાદ તમામ સરકારી વિભાગો ફાયર સિસ્ટમને લઈને સતર્ક બની રહ્યા છે. રાજ્યમાં 13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. બાળકોની સુરક્ષા માટે સરકારે શાળાના સ્ટાફને ચેક કરવાનો આદેશ આપ્યો છે, અને તમામ શાળાઓમાં ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં આકસ્મિક આગ કેવી રીતે ઓલવી શકાય તે અંગે શાળાના આચાર્યોની તાલીમ માટે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી માટે ફાયર ઇક્વિપમેન્ટની સુવિધા તો લગાવવામાં આવી છે, પરંતુ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અને અમદાવાદ ફાયર બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે શાળામાં આગની ઘટના બને તો શું કરવું તેની તાલીમ યોજાઇ હતી. જેમાં 700 થી વધુ શાળાના આચાર્યોએ તાલીમ મેળવી હતી. શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો અને શાળાના પ્રતિનિધિઓ માટે સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રાયોગિક સૈદ્ધાંતિક તાલીમ આપવામાં આવી હતી.
શહેરની જિલ્લા શિક્ષણ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યોને ફરજિયાત હાજર રહેવા આદેશ કરાયો છે. પરિણામે, 700 જેટલા શાળાના આચાર્યો અથવા તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ તાલીમમાં AMCના ફાયર અને ઈમરજન્સી સેવા અધિકારીઓએ અમદાવાદની શાળાઓના આચાર્યોને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપી હતી.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે શાળાના આચાર્યોને ફાયર ફાઈટિંગના તમામ સાધનો અંગે જાણ કરી દેવામાં આવી છે. તે માટે તેમને સૈદ્ધાંતિક અને વ્યવહારિક રીતે સમજાવવામાં આવે છે. શાળામાં આગ લાગે તો ફાયર બ્રિગેડ આવતા પહેલા શાળામાં લગાવેલા ફાયર સાધનો વડે આગ પર કેવી રીતે કાબુ મેળવવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.